રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆત થઈ હોવા છતાં શરદી-ઉધરસ અને તાવના કેસ યથાવત રહ્યા છે. આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર કામગીરી દરમિયાન શરદી-તાવના 633 તેમજ મેલેરિયા, ટાઈફોડ અને કમળાના 4 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભગવતીપરામાં 3 દિવસ તાવ આવ્યા બાદ બેભાન થઈ જતાં 5 માસની બાળકી સાક્ષી અને ધોરણ-2માં અભ્યાસ કરતી 7 વર્ષની બાળકી ફરીદા સહિત બે બાળકીના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું જાણવા મળેલ છે. જેના લીધે આરોગ્ય વિભાગે મચ્છર ઉત્પતિ અને ગંદકી સબબ રહેણાંક તેમજ કૉમર્શિયલની 94 એકમોને નોટિસ ફટકારી પોરા નાશક અને ફોગીંગ કામગીરી વધુ તેજ બનાવી છે.
મચ્છરજન્ય રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.10/3/2025 થી તા.16/03/2025 દરમ્યાન પોરા નાશક કામગીરી હેઠળ 15,925 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 755 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જ્યારે સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.













