વડોદરા શહેરમાં હિટ એન્ડ રન ના બનાવ બાદ તંત્ર એકશનમાં આવ્યું છે અને એરપોર્ટ રોડ, કારેલીબાગ વિસ્તારમાં સંગમ ચાર રસ્તાથી આમ્રપાલી સુધીના રોડ સાઇડના બંને તરફના દબાણો દુર કરવા માટે કાર્યવાહી સમયે હથિયારધારી પોલીસને સુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. સાથે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર પાર્ક કરવામાં આવેલા વાહનોને મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશન અને પોલીસે કરેલી કાર્યવાહીમાં છ ટ્રક ભરીને ગેરકાયદે દબાણનો સામાન જપ્ત કર્યો હતો.
વડોદરાના આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હોલીકા દહનની રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં એક કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મૃત્યું થયું હતું, અને અન્ય 7 ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ ગતરોજ સ્થાનિકો દ્વારા અહીંના રોડ પર સ્પીડ બ્રેકર મુકવા તથા દબાણો દુર કરવાની માંગ સાથે ઉગ્રસ્તરે મીડિયા સમક્ષ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. જેના પડઘા આજે પડ્યા હોય તેમ લાગી રહ્યું છે.













