5 મે, 2024ના રોજ સર્જાયેલ ભયાનક ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પડઘા આજે મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટિમાં રજૂ કરેલા બજેટમાં પણ પડ્યા છે. શહેરમાં નવા ફાયર સ્ટેશનો ઉભા કરવા સહિતની ફાયર સુવિધા વધારવા માટે રહેણાક તથા બિન રહેણાક મિલ્કતો ઉપર ફાયર ટેક્સ ઝીંકી રૂપિયા 55 કરોડ ઉભા કરવાનું સુચન કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનરે આ માટે રહેણાક મિલ્કતો ઉપર પ્રતિ ચોરસ મીટરે રુપિયા 15 અને બિન રહેણાક મિલ્કતોમાં પ્રતિ ચોરસ મીટરે રૂપિયા 25નો ફાયર ટેક્સ લાદવા સ્ટેન્ડિંગ કમિટિને દરખાસ્ત કરી છે. જો કે, સ્ટેન્ડિંગ કમિટિ આ દરખાસ્ત માન્ય રાખે છે કે રદ કરે છે અથવા તો ફાયર ટેક્સમાં થોડો ઘટાડો કરે છે તે જોવાનું રહ્યું. મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટિને કરેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, જેમ જેમ રાજકોટ શહેરનો વિકાસ થઈ રહ્યો છે તેની સાથે જ મહાનગરપાલિકાની શહેરી સેવાઓ, ખાસ કરીને અગ્નિ સલામતિની જટીલતાઓ અને માંગણીઓ પણ સતત વધી રહી છે. શહેરના રહેવાસીઓની સલામતિ સુનિશ્ચિત કરવા મિલ્કતોને રક્ષણ આપવા તથા કાર્યક્ષણ ફાયર ફાઈટીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવાનો સંકલ્પ લઈને મહાનગરપાલિકાએ આગળવધવું જરૂરી છે.













