રાજકોટના જામગઢમાં એક સપ્તાહ પૂર્વે વાડીએ સુતેલા યુવાનની હત્યા મામલે ખુલાસો થયો છે. હત્યા અજાણ્યાએ નહીં પરંતુ મૃતક મુકેશના મોટાભાઈએ કરી હોવાનું સામે આવતા પોલીસે હત્યા મામલે સગા ભાઈની ધરપકડ કરી લીધી છે. 18 એપ્રિલના રોજ મુકેશ વાવડીયા પોતાની વાડીએ હતો, ત્યારે તેને કોઈ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ઝંપલાવી અનેક લોકોની પુછપરછ કરી મૃતકના મોટાભાઈને સકંજામાં લઈ આકરી ઢબે પુછપરછ કરતા હત્યાના કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. પોતે જ નાનાભાઈને મોતને ઘાટ ઉતારી દઈ ખોટી સ્ટોરી ઘડી પોલીસને ગેરમાર્ગે દોરી પણ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે.
મૃતક દારુ પીવાની કુટેવ ધરાવતો હતો
મળતી વિગતો મુજબ જામગઢ ગામે રહેતા અને ખેતીવાડી કરતા વિનુભાઈ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયાએ કુવાડવા રોડ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સે મુકેશને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો, આ દરમ્યાન આ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવની રાહબરીમાં ટીમે પણ ઝંપલાવતા ફરિયાદીને ઉલટ તપાસ કરતા આખરે સત્ય સામે આવ્યું અને ફરિયાદી ભાઈ જ હત્યારો હોવાનું ખુલતાં ફરિયાદી મોટાભાઈને સકંજામાં લઈ આકરી ઢબે પુછતાછ કરતા તેણે કબૂલ્યું કે મૃતક મુકેશ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી અવાર-નવાર ઘરમાં દારૂ પી આવી ધમાલ મચાવતો અને મા-બાપની સાથે મારઝુડ કરતો હોવાથી મોટાભાઈએ જ મૃતક વાડીએ સુવા ગયો ત્યારે પાછળથી જઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આરોપીને કોર્ટ હવાલે કરવામાં આવ્યો
પોતાના પર કોઈ શંકા ન કરે તે માટે ભાઈનું વાડીએ ઢીમ ઢાળી દઈ પરત ઘરે આવી સુઈ ગયો હતો. પરંતુ ક્રાઈમબ્રાંચના સ્ટાફે મોટાભાઈ વિનુ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયાની ધરપકડ કરી હત્યાનો એક સપ્તાહ બાદ ભેદ ઉકેલી નાખ્યો છે, ઉલ્લેખનીય છે કે મૃતક માતાપિતાને દારૂ પીને માર મારતો હતો. આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક અને સાંયોગિક પુરાવાના આધારે તપાસ કરતા હત્યા કેસ ઉકેલાઈ ગયો અને આરોપી સકંજામાં આવ્યો છે. હાલમાં આરોપીને કોર્ટ હવાલે કરવામાં આવ્યો છે.