રાજકોટમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવા વિજ્ઞાન જાથા દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. પશુ બલી હોય કે ભૂવાઓના ધતિંગો હોય વિજ્ઞાન જાથા દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવે છે. શહેરમાં કોઠારિયા વિસ્તારમાં નિર્દોષ પશુઓની બલી ચઢાવવામાં આવતી હોવાની માહિતી મળતા વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પશુઓને બચાવવાનો પ્રયત્ન કરતાં સ્થાનિકો દ્વારા હુમલો કરાયો હતો.


માતાજીના માંડવામાં બલી અટકાવવા પહોંચ્યા હતા

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં માતાજીના માંડવામાં પશુ બલી અટકાવવા જતાં બબાલ થઈ હતી. વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પોલીસ સાથે માતાજીના માંડવે પહોંચીને નિર્દોષ પશુઓને બચાવવા જતાં દેકારો બોલી ગયો હતો. જીવ હિંસા અટકાવવા માટે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને પોલીસ કોઠારિયા સોલવન્ટ પાછળ આવેલા વિસ્તારમાં પહોંચ્યા હતાં. જ્યાં સાતેક પશુઓની બલી ચઢાવવાની તૈયારી કરાઈ હતી.

7 જેટલા પશુની બલી ચઢાવવામાં આવી રહી હતી

આ દરમિયાન સ્થાનિકો દ્વારા વિજ્ઞાન જાથા અને પોલીસ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. પશુઓને બચાવવા જતાં મોટી બબાલ થઈ હતી. પોલીસ પર એટેક થતાં મામલો બિચક્યો હતો. પોલીસે આ ઘટનામાં 6થી વધુ આરોપીને ઝડપી લીધા હતાં. આ ઉપરાંત નિર્દોષ અબોલ પશુઓને બચાવી પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને પકડીને તેમની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: