રાજકોટમાં 2 દિવસ પહેલાં મોડી રાત્રે અખબારની ઓફિસમાંથી થયેલી રૂ. 76.90 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જાણભેદુ હોવાની શંકાના આધારે પોલીસે શરૂ કરેલી તપાસમાં અખબારની ઓફિસમાં છેલ્લા 1 વર્ષથી રસોઈયા તરીકે કામ કરતા કર્મચારીએ જ ચોરીને ટીપ આપી હતી અને ઘરફોડ ચોરીમાં માહેર 1 શખ્સે તા. 1 જૂનના રાત્રે રાષ્ટ્રીય શાળા પાસે આવેલી પ્રેસની ઓફિસમાં માલિકની ચેમ્બરમાં ઘૂસી સોના-ચાંદીનાં દાગીના અને પગાર માટેના 70 જેટલા કવર લઈ ફરાર થઈ ગયો હતો.
પોલીસે પત્રકાર પરિષદ કરી આ મામલે ખુલાસો કર્યો
જોકે પોલીસે CCTV, ટેકનિકલ ઈન્ટેલિજન્સ અને અખબારની કચેરીમાં કામ કરતા શંકા ઉપજાવતા કર્મીની પુછપરછમાં ભાંડો ફૂટ્યો હતો અને સમગ્ર ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસના સકંજામાં આવેલા આ તસ્કરોએ અખબારની ઓફિસને જ નિશાન બનાવી લાખોનું સોનું અને રોકડની ચોરી કરી હતી. ત્રણેય તસ્કરો ગણતરીના સમયમાં જ ઝડપાઈ જતા પોલીસને મહત્વની સફળતા મળી છે, આ સમગ્ર મામલે પોલીસે પત્રકાર પરિષદ કરી આ મામલે ખુલાસો કર્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 1 જૂનની રાત્રિથી તા. 2 જૂનના સવાર દરમિયાન પ્રેસની ઓફિસમાંથી સોના ચાંદીના દાગીના સહિત રૂ. 76.90 લાખની ચોરીની ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી.
જે બાદ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. પ્રેસની ઓફિસમાં આટલી બધી કિંમતના સોના ચાંદીના દાગીના હોવા અંગે કોઈ જાણભેદુને જ ખ્યાલ હોવાની સંભાવના પ્રબળ હતી. આ જાણભેદુ કોણ હોય શકે છે તેના પર એક ટીમ કામ કરી રહી હતી, આ દરમિયાન સીસીટીવીમાં દેખાતો વ્યક્તિ ચોરી કર્યા પહેલાં કઈ કઈ જગ્યાએથી આવ્યો હતો અને ત્યારબાદ કઈ કઈ જગ્યાએ જાય છે તેની તપાસ ટેક્નિકલ ઈન્ટેલિજન્સની મદદથી ચાલી રહી હતી. લાખોની ચોરીને ડિટેક્ટ કરવા માટે કાર્યરત રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ, એ ડિવિઝન અને એલસીબી ઝોન -2 ટીમને માહિતી મળી હતી કે, 3 વ્યક્તિઓ શંકાસ્પદ છે. જેથી પોલીસ ત્યાં પહોંચી હતી અને ત્રણ વ્યક્તિઓને રાઉન્ડઅપ કર્યા હતા.
પોલીસે 3 લોકોની કરી ધરપકડ
જેમાં વિનોદ શંકર થાપા ( ઉ.વ.25, ધંધો પગીપણું રહે. હનુમાનમઢી પાસે તુલશીબાગ એપાર્ટમેન્ટમાં આવેલ રૂમમાં રાજકોટ મુળ વતન - ભજની ગામ, તા.લાલભુજી જી.ઓડા નં.6 નેપાળ), સંતોષ શંકરભાઈ થાપા (ઉ.વ.૩૦ ધંધો. પગીપણુ રહે, રૈયાધાર મણીનગર નંદનવન વિલ્લા એપાર્ટમેન્ટના પાર્કીંગમાં આવેલ રૂમમાં રાજકોટ મુળવતન- ભજની ગામ, તા.લાલભુજી જી.ઓડા નં.6, નેપાળ) અને અર્જુનસિંગ માનસિંગ પરીયાગ (ઉ.વ.30, રહે.ડો.યાજ્ઞીક રોડ ઇમ્પીરીયલ હોટલની સામેની શેરીના ખુણે આવેલ એપાર્ટમેન્ટમાં રાજકોટ મુળ વતન - બટનપુર તા.કૈલાલી જી.ઓડા નં.8 નેપાળ) ને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. ચોરી માટેની ટીપ આપનાર પ્રેસમાં છેલ્લા 1 વર્ષથી રસોઈયા તરીકે નોકરી કરતો અર્જુનસિંગ હતો.
જેને ટીપ આપી હતી કે હવે મહિનો પૂરો થતા પગાર થવાનો છે તો પગારના પૈસા અલગ અલગ જગ્યાએ પડ્યા હશે. જેના આધારે વિનોદ થાપા દ્વારા સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જે બાદ તેણે તેનાં ભાઇ સંતોષ સાથે મળી મુદ્દામાલ સગેવગે કરવાની તજવીજ હાથ ધરી હતી. જૉકે તે પહેલાં પોલીસે 3 આરોપીઓને પકડી પાડી રૂ.58,36,050નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી વિનોદ થાપા અગાઉ રાજસ્થાનના જયપુરના આદર્શનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. જ્યારે અર્જુનર્સિંગ પરીયાગ રાજસ્થાનના રાજસમંદમાં ભીમ પોલીસ સ્ટેશનમાં સામાન્ય ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો
પોલીસે રૂ.58,36,050નો મુદ્દામાલ કબ્જે કર્યો, જેમાં પોલીસે રૂ.14.44 લાખની સોનાની નાની-મોટી સાઈઝની 9 ગીની, રૂ. 17.79 લાખના સોનાના નાની-મોટી સાઇઝના 16 ઢાળીયાઓ, રૂ. 9.48 લાખની સોનાની 2 બંગળી, રૂ. 3.25 લાખની સોનાની 916 સ્ટેમ્પ વાળી જેન્ટસ લકી, રૂ. 1.10 લાખની સોનાની નંગ વાળી મોટી વીંટી, રૂ. 80000ની વાઈટ ગોલ્ડની ડાયમંડ વાળી વીંટી, રૂ. 3200 ના ચાંદીના ગોળ આકાર વાળા માતાજીના ચીત્રવાળા પેંડલ, રૂ. 16500 ના ચાંદીના 5 સિક્કા, રૂ. 10.75 લાખ રોકડા, રૂ. 350 ના પાઉન્ડના 4 સિક્કા, 50000 નું સ્પ્લેન્ડર અને 5000 નો મોબાઈલ કબ્જે કરેલો છે. સમગ્ર મામલે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ની મદદ થી પોલીસે ગુન્હાનો ભેદ તો ઉકેલી નાખ્યો છે, સાથે જ ઓફિસમાં લાખોની રકમ રાખનારા નાગરિકો માટે સાવચેત થવાનો સંદેશ પણ આપ્યો છે.













