સુરતમાં બાંગ્લાદેશીના ઘૂસણખોરોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રામપુરામાં દુકાનોના બોર્ડ બંગાળી ભાષામાં લટકાવ્યા હોવાની વાત સામે આવી છે,રામપુરામાં રેસ્ટોરેન્ટ અને હોટલમાં બંગાળી ભાષામાં બેનર લગાવ્યા છે,તો સલૂન, મની ટ્રાન્સફરની દુકાનોમાં બંગાળી ભાષામાં બેનર લગાવ્યા છે અને આ વિસ્તારમાં સૌથી વધારે ગેરકાયદેસર બંગાળીઓ વસવાટ કરી રહ્યાં હોવાની વાત સામે આવી છે.
રામપુરા વિસ્તાર જાણે બંગાળમાં હોય તેવો માહોલ
સુરતનો રામપુરા વિસ્તાર જાણે બંગાળમાં હોય તેવો માહોલ છવાયો છે,જ્યાં જુઓ ત્યાં બંગાળી ભાષામાં બેનર જોવા મળ્યા છે,વિસ્તારમાં અનેક બાંગ્લાદેશી રહેતા હોવાની આશંકા છે અને છેલ્લા 7 વર્ષમાં આ વિસ્તારમાં બંગાળી ભાષાના બેનર જોવા મળ્યા છે,પોલીસે સમગ્ર ઘટનામાં ફરીથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.અહીં 5 હજાર ભાડામાં મળતા ઘર 15 હજારમાં મળતા થઇ ગયા છે અને બંગાળીઓને ઘર લેવું હોય તો 6 મહિના સુધી રાહ પણ જોવી પડે છે.
વરાછા વિસ્તારમાં બાંગ્લાદેશીઓના ઘરે તપાસ કરવામાં આવી
વરાછા વિસ્તારમાં આવેલા ત્રિકમનગર, જવાહર નગર, અંબિકા નગરમાં બાંગ્લાદેશી નાગરિકોનું સર્ચ ઓપરેશન વરાછા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 1 હજારથી વધુ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે. જો કોઈ બાંગ્લાદેશી નાગરિક સામે આવશે તો તેના ડોક્યુમેન્ટ આધારે વધુ પૂછપરછ કરીને તપાસ કરવામાં આવશે. વરાછા વિસ્તારમાં આવેલા ત્રિકમનગર જવાહર નગર અંબિકા નગરમાં પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોના કારીગરો અને મજૂરો રહે છે અને કામ કરે છે.