ગુજરાત પોલીસને કલંકિત કરતી ઘટના અમરેલી અને બાબરામાં બની છે. અમરેલીમાં એક જ દિવસમાં દુષ્કર્મ બાબતે બે પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીએ 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર બળજબરી પૂર્વક પોલીસ કર્મી સંબંધ બાંધતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મહેશ સોલંકી નામના પોલીસ કર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહેશ સોલંકી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે અને તેની વિરૂદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદ નોંધાયા બાદ નરાધમ પોલીસ કર્મી મહેશ સોલંકી ફરાર થઈ ગયો છે.
અમરેલીના બાબરામાં રક્ષક જ બન્યો ભક્ષક
બીજી તરફ અમરેલીના બાબરામાં પણ રક્ષક જ ભક્ષક બન્યો હોવાની ઘટના સામે આવી છે. બાબરામાં પણ નરધમ પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ છે. છેલ્લા 4 માસથી શરીરે અડપલા કરીને પોલીસકર્મી શારીરિક સંબંધ બાંધતો હતો. હાલમાં રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસકર્મી સામે FIR નોંધાઈ છે. પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ નરાધમ પોલીસકર્મી વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. ત્યારે ફરિયાદ નોંધાયા બાદ નરાધમ પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર થઈ ગયો છે. સગીરાના પિતાની ફરિયાદ નોંધાયા બાદ ખાખીને કલંકિત કરતા પોલીસ કર્મીને ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે.
સુરતના ઈચ્છાપોરમાં 6 વર્ષની દીકરી પર આધેડે આચર્યુ દુષ્કર્મ
થોડા દિવસ પહેલા જ સુરત શહેરને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી હતી. શહેરના ઈચ્છાપોરમાં 6 વર્ષની દીકરી પર આધેડે દુષ્કર્મ આચર્યુ હતું. પાડોશમાં રહેતા નરાધમે અપહરણ કરીને બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું. દીકરીએ પોતાના કાકાને વાત કહેતા સમગ્ર હકીકત બહાર આવી હતી. 45 વર્ષીય જયમંગલ પાસવાન સામે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આરોપી ઘટનાને અંજામ આપને ફરાર થઈ ગયો હતો અને પોલીસે આરોપીને ઝડપવા માટે કાર્યવાહી શરુ કરી હતી.