ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી નેતા મહેશ વસાવાએ બે દિવસ પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. હવે તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ભાજપે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસ કર્યો નથી. અહીં વિકાસ નહીં થતાં મેં રાજીનામું આપ્યું છે. લોકસભાની ચૂંટણી સમયે તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતાં. હવે તેમણે ભાજપે વિકાસ નહીં કર્યો હોવાથી રાજીનામું આપ્યું હોવાની પ્રતિક્રિયા આપી હતી.
ભાજપમાં તેમના કામ થતા નથી
ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રભુત્વ ધરાવનાર મહેશ વસાવાએ કહ્યું હતું કે, ભાજપમાં તેમના કામ થતા નથી. ભાજપની સરકારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં કોઈ વિકાસ કર્યો નથી. લોકોના કામો નહીં થતા તેની રજૂઆતો કરવામાં આવતી હતી પણ તેનો કોઈ ઉકેલ જણાતો નહોતો. જેથી વિકાસ કામો નહીં થવાથી ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. હવેથી લોકોના કામો થાય તે માટે પ્રયાસો કરતા રહીશું. મહેશ વસાવાની પ્રતિક્રિયા સામે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તાજમહેલથી વધારે લોકો સ્ટેટ્યૂ ઓફ યુનિટી જોવા માટે આવે છે. એ જ ભાજપની સરકારનો સૌથી મોટો વિકાસ છે.
2024માં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો
ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે 2024ના માર્ચ મહિનામાં બીટીપીના વડા મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ગયા હતાં. ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી લોકોમાં બીટીપીનું સારૂ પ્રભૂત્વ છે. તે સમયે મહેશ વસાવા ભાજપમાં જોડાઈ જતા અનેક વિવાદો સામે આવ્યા હતાં. ભાજપમાં તેમના કામ નહીં થતાં તેઓ લાંબા સમયથી નારાજ હોવાનું જાણવા મળ્યું હતું. હવે તેમણે રાજીનામું આપીને આગળ પણ લોકોના કામ કરતા રહેશે તેવી પ્રતિક્રિયા આપી હતી.