રાજકોટમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત એટલો ગંભીર હતા કે ઘટનાસ્થળ પર જ વાહનમાં સવાર બે લોકોના મોત થયા. શહેરમાં મહીકા નજીક બોલેર કાર પુલ પરથી નીચે ખાબકતા આ અકસ્માત બનવા પામ્યો. મહીકા પાસેના ગંભીર અકસ્માતમાં સરકારી અધિકારી અને તેના ડ્રાઈવરનું મોત થયું. અકસ્માતમાં સરકારી અધિકારીનું મોત થતા મામલો વધુ ગરમાયો છે. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી.
સરકારી અધિકારીને કારને નડયો અકસ્માત
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મહીકા નજીક એક બોલેરો કારનો ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો. બોલેરા કારમાં માર્ગ અને મકાન વિભાગ અધિકારી ડ્રાઈવર સાથે ભાવનગરથી વિઝીટ કરીને પરત ફરતા હતા ત્યારે ગંભીર અકસ્માતનો શિકાર થયા. સરકારી અધિકારીની બોલેરો કાર રાજકોટ પરત ફરતી હતી ત્યારે મહીકા ગામ નજીક બોલેરો કાર રોડની સાઈડનું ડિવાઈડર તોડી 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી.
ડ્રાઈવરે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
આ બોલેરો કાર મહીકા નજીક પુલ પરથી નીચે ખાબકતા ઘટનાસ્થળ પર જ કારમાં સવાર બે લોકોના મોત થયા. દરમિયાન રાત્રે આ પુલ પાસેથી પસાર થતા એક સ્થાનિકે બોલેરો કારનો અકસ્માત જોતા પોલીસને જાણ કરી. પોલીસે સરકારી અધિકારી અને તેના ડ્રાઈવરના મૃતદેહને રાજકોટની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
મહીકા પાસેના બોલેરા કાર અકસ્માતમાં મૃત્યુ પામનાર સરકારી અધિકારીનું નામ ચંપક છનજી પટેલ છે તેઓ મૂળ વલસાડ વાપી વિસ્તારના રહેવાસી છે. જ્યારે ડ્રાઈવરનું નામ જાવેદભાઈ યુનુસભાઈ પઢિયાર હોવાનું સામે આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારી ચંપકભાઈ છેલ્લાં 3 વર્ષથી રાજકોટમાં યાંત્રિક કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. અને મૃતક ડ્રાઈવર જાવેદભાઈ 15 વર્ષથી રાજકોટ બહુમાળી ભવનમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી તરીકે ડ્રાઈવરનું કામ કરતા હતા. સરકારી અધિકારી અને ડ્રાઈવરના મોતને પગલે તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો.