સાબરકાંઠા જિલ્લા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લવાતા ભારતીય બનાવટી અંગ્રેજી દારૂ સાથે 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાંતિજ નજીકથી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને 12 લાખ કરતાં વધુના મુદ્દામાલ સાથે જિલ્લા એલ.સી.બી પોલીસે 2 આરોપીને દબોચ્યા છે. પોલીસે 948 દારૂની બોટલ ઝડપી છે, જેની કિંમત આશરે 2,67,000 રૂપિયા થાય છે. સાબરકાંઠા પોલીસે રાજસ્થાનના 2 આરોપીને દબોચ્યા છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. દારૂ મોકલનાર સહિત મગાવનાર 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
11 મેએ અમદાવાદના બોપલમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓ ઝડપાયા હતા
ગઈકાલે 11 મેએ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ક્લબ ઓ સેવનમાંથી દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓની ધરપકડ કરી હતી. બોપલ પોલીસે એક મહિલા સહિત 9 નબીરાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી. પોલીસે 3 બોટલ દારૂ સહિત BMW , હોન્ટા સિટી સહિતની મોંઘી દાટ ગાડીઓ પણ કબજે કરી હતી. પોલીસે અલગ અલગ 9 ગુનાઓ દાખલ કરી તમામ આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. પોલીસે ઝડપેલા તમામ આરોપીઓ મ્યુઝિકલ ટેકનો પાર્ટી માટે એકઠા થયા હતા, જે પાર્ટીની આડમાં ક્લબના ફોરમ હોલના બેઝમેન્ટમાં દારૂની મહેફીલ માણતા હતા, જો કે 12:30 પછી પણ પાર્ટી ચાલુ હોવાથી પોલીસને માહિતી મળતા બોપલ પોલીસે ક્લબમાં રેડ કરીને 9 નબીરાઓની ધરપકડ કરી હતી.
દાહોદમાં LCBએ 30 લાખની કિંમતનો 422 પેટી દારુ ઝડપ્યો
બીજી તરફ થોડા દિવસ પહેલા જ દાહોદ LCB પોલીસને મોટી સફળતા મળી હતી. ચાકલિયા વિસ્તારમાંથી વિદેશી દારુ ઝડપાયો હતો. વેક્યુમની આડમાં સંતાડીને દારૂ લઈ જવાતો હતો. LCBએ 30 લાખની કિંમતનો 422 પેટી દારુ ઝડપ્યો હતો. પોલીસે ટેન્કર સહિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાનના એક વ્યક્તિની LCBએ ધરપકડ કરી હતી.