ભાવનગરના વિવિધ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગની સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સતર્ક થયું છે અને તેને લઈને જિલ્લાના ઘોઘા બંદર, અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ અને મહુવા બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જો કે હાલમાં સાવચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ બંદરો ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જી.એમ.બી દ્વારા ભાવનગરના તમામ બંદરો પર સિગ્નલો લગાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.


જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવાયું

ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદ આવશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમરેલી-સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે વરસાદની શક્યતા છે. તેના પગલે જાફરાબાદ બંદર પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો તેથી હાઈટાઈડની શક્યતાને લઇ 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. આંધી સાથે વરસાદ પડવાની શક્યતા વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. અમરેલી- સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ કરાયા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદ બંદર પર દરિયામા આજથી કરંટ શરૂ થયો હતો. સાથે જ દરિયામાં હાઈટાઈડની સ્થિતિ વચ્ચે 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મળી છે તો બીજી તરફ ફિશ બોટને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરત બોલાવવામાં આવી છે.

વેરાવળમાં હજુ પણ 100 જેટલી બોટ દરિયામાં

ગીર સોમનાથ વેરાવળમાં દરિયામાં ભારે કંરટ જોવા મળ્યો હતો અને વાવાઝોડોની અસર દેખાવાની શરૂઆત થઈ છે. ગીર સોમનાથમાં ગઈકાલ રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હતો સાથે સાથે તંત્રએ માછીમારોને સૂચના આપી છે કે દરિયો ના ખેડવો, તો સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે હજુ પણ 100 જેટલી બોટ દરિયામાં છે અને તમામ બોટને સુરક્ષિત કાંઠે લાવવા તંત્રની કવાયત છે. બીજી તરફ વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા સુરતના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. સુરતના દરિયામાં હાલ ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત પાસેથી વાવાઝોડું પસાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જેના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.


  • Follow us on: