ગીર સોમનાથના સોમનાથ ખાતે ચાલી રહેલા કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. મુળુભાઈ બેરાએ કહ્યું કે મેળા અને ઉત્સવ આપણી સંસ્કૃતિ છે, આપણા લોકોએ સંસ્કૃતિ જાળવી રાખી છે, તે સારી વાત છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે પૂર્વની સરકારોએ આવા આયોજન કર્યા હોય તેવું ક્યાંય જોવા મળ્યું નથી. ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસને વિપક્ષ તાયફા કહેતું હતું.
ગુજરાતમાં 13 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા: મુળુભાઈ બેરા
વધુમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે આજે વિપક્ષને પણ સમજાયું કે આ મેળા અને ઉત્સવ ગુજરાતના પ્રવાસનને વેગ આપવામાં મહત્વનું પરિબળ સાબિત થયું છે. થોડા વર્ષો પહેલા રાજ્યમાં પ્રવાસન નહિવત હતું. આજે રાજ્યમાં 13 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેના કારણે પ્રવાસનની સાથે રોજગારી પણ વધી છે.
400 કલાકારોનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ
તમન જણાવી દઈએ કે સોમનાથ ખાતે આજે 5 એપ્રિલના રોજ 400 કલાકારોનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ઉત્તર પૂર્વના 7 રાજ્યોમાંથી 200 તેમજ ગુજરાતના 200 કલાકારો કલાના કામણ પાથરશે. માધવપુર લોકમેળા અંતર્ગત સોમનાથમાં પ્રિ ઈવેન્ટ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આસામ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા જેવા ઉત્તર-પૂર્વના સાત રાજ્યોમાંથી કલાકારો જોડાયા છે. સરકાર દ્વારા પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે જિલ્લા કલેક્ટરે જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ સંદર્ભે બેઠક પણ યોજી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોરબંદરનો મણિયારો રાસ, તલવાર રાસ, ડાંગી નૃત્ય સહિતની પ્રસ્તુતિઓ રજૂ કરાયા છે. સોમનાથ મંદિર પરિસરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.