ડાયમંડ નગરી સુરતમાં વધુ એક વખત હત્યાની ઘટના સામે આવી છે. શહેરમાં અવારનવાર બની રહેલી ગુનાઓની ઘટનાઓને લઈને લાગી રહ્યું છે કે પોલીસ વિભાગ ગાઢ નિંદ્રામાં ઉંઘી રહ્યો છે. સુરતના કડોદરામાં હત્યાની ઘટના સામે આવી છે. કડોદરામાં 6 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી છે. પાડોશમાં જ રહેતા યુવકે બાળકીની હત્યા કરી નાખી છે. જો કે કયા કારણસર આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, તે અત્યાર સુધીમાં જાણી શકાયું નથી.
બાળકીને અવાવરૂ જગ્યા પર લઈ જઈ કરી હત્યા
કડોદરા વિસ્તારમાં રહેતા યુવકે તેની પાડોશમાં રહેતી 6 વર્ષની બાળકીને ચોકલેટ અપાવવાના બહાને લઈ ગયો અને ત્યારબાદ બાળકીને અવાવરૂ જગ્યા પર લઈને પથ્થરના ઘા ઝીંકીને બાળકીની હત્યા કરી નાખી છે. જો કે બાળકીની હત્યા મામલે જ્યારે પરિવારને જાણ થઈ ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ આદરી છે. આરોપી બાળકીને બદ ઈરાદો પાર પાડવા માટે લઈ ગયો હોવાની પોલીસને આશંકા છે. હાલમાં બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે બાળકી સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની કે નહીં એ બાળકીના મૃતદેહના પીએમ રિપોર્ટ બાદ જ ખુલાસો થશે. હાલમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે અને તેની વિરૂદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સુરતમાં મોડેલની કારને આગ લગાવવા મુદ્દે કાર્યવાહી
બીજી તરફ સુરતમાં મોડેલની કારને આગ લગાવવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે મુખ્ય આરોપી મિતેશ જૈનની આ મામલે ધરપકડ કરી લીધી છે. અગાઉ તનિશ જૈન અને સચ્ચુની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓએ મોડેલની મર્સિડીઝ કારને આગ લગાવી હતી, મોડેલની કારમાં જીપીએસ સિસ્ટમ ચીપકાવી હતી. અલથાણ પોલીસે આરોપી મિતેશ જૈનને ઝડપી પાડ્યો છે.