સુરતમાં ખંડણી માગવાની વધુ એક ફરિયાદ સામે આવી છે. શહેરમાં એક સ્ક્રેપના વેપારીને GSTના દરોડાની ધમકી આપી ખંડણી માગી લાખો રૂપિયા પડાવવામાં આવ્યા. અમિત તિવારી નામના શખ્સ દ્વારા વેપારીને નવી ફર્મમાં દરોડા પડાવવાની ધમકી આપવામાં આવી હતી. વેપારીએ રૂપિયામાં આનાકાના કરવા પર માગ્યા મુજબ પૈસા નહી આપે તો 'તારી પત્નીનું અપહરણ કરતા વાર નહિ લાગે તેવી ધમકી આપી હતી. અમિત તિવારી નામના શખ્સ દ્વારા સ્ક્રેપના વેપારી પાસેથી 50 લાખની ખંડણી માગવામાં આવી હતી. વેપારીએ આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી. ઈન્દ્રજીત પ્લાબન મિત્રા દ્વારા કરવામાં આવે ફરિયાદ બાદ વેસુ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


બ્લેકમેર કરી પડાવ્યા રૂપિયા

પોલીસ ફરિયાદમાં સ્ક્રેપના વેપારીએ જણાવ્યું કે અમિત તિવારી નામનો શખ્સ તેમને બ્લેક મેલ કરી રહ્યો છે. આ શખ્સ દ્વારા તેમની પાસેથી 50 લાખની ખંડણી માગવામાં આવી. આ શખ્સ દ્વારા માગ્યા મુજબ રૂપિયા ના આપતા તેણે GSTના દરોડા પાડવાની ધમકી આપી. વધુમાં એમ પણ કહ્યું કે તને ફસાવી દઈશ, આજીવન જેલમાં નાંખી દઈશ, અગાઉની રેઇડ પણ મેં પડાવી છે, જો પૈસા નહી આપો તો'તારી પત્નીનું અપહરણ કરતા વાર નહિ લાગે' તેવી ધમકી ઉચ્ચારી હતી. પૈસા ના આપતા અમિત તિવારી નામના શખ્સે CGST કચેરીએ અડિંગો જમાવતા આખરે 10 લાખ રૂપિયા આપ્યા હતા. આટલા રૂપિયા બાદ પણ તેણે વધુ રૂપિયાની માગણી કરી હતી. અને નવી ફર્મમાં પણ દરોડા પડાવવાની ધમકી આપી હતી. આખરે આ શખ્સની વારંવાર રૂપિયાની માગથી કંટાળીને પોલીસમાં ફરિયાદ કરી. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ખંડણી માગ રૂપિયા પડાવવાનો કાળો કારોબાર ફૂલ્યોફાલ્યો છે.

 ખંડણી માંગી કમાણી કરવાનો સિલસિલો

આ વર્ષની શરૂઆતમાં સુરતમાં ખંડણી માંગવાની અનેક ફરિયાદો સામે આવી હતી. ખંડણી માગી કમાણી કરવાનો સિલસિલો વધી રહ્યો છે. બે સપ્તાહ પહેલા જ પુત્રએ પિતા અને કાકા પાસે ખંડણી માગવાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જયારે ફેબ્રુઆરી મહિનામાં મિલ માલિક પાસે 45 લાખની ખંડણી માગવામાં આવી હતી. એક ફરિયાદમાં તોડબાજ RTI એક્ટિવિસ્ટે 5 કરોડની ખંડણી માગી વેપારી પાસેથી 45 લાખ પડાવ્યા હતા. ઉદ્યોગકાર પાસેથી 5 કરોડની ખંડણી માગવા મામલે 2 આરોપીની અટકાયત કરાઈ હતી. જ્યારે અન્ય એક ફરિયાદમાં ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ત્રણ શિક્ષણ સંસ્થા પાસે રૂ.1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જેમાં પોલીસે કાર્યવાહી કરતા એનએસયુઆઈના સુરત પ્રમુખ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ, બે કાર્યકર સહિત પાંચને રંગેહાથ ઝડપ્યા હતા. 

  • Follow us on: