સુરતમાં વાલીઓના વિરોધ પ્રદર્શનનો મામલો સામે આવ્યો હતો. જેમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઈન્દુલાલ યાજ્ઞિક સ્કૂલને તેના સ્થાનથી બે કિલોમીટર દૂર ખસેડાતા વિરોધ પ્રદર્શન જોવા મળ્યુ હતુ. ઉમરવાડા સ્કૂલના વાલીઓએ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અને નવી ઇમારતમાં શાળા શરુ કરવા માટે વાલીઓએ માગ કરી હતી.


ઉમરવાડા સ્કૂલના વાલીઓનો વિરોધ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ઉગ્ર રોષનો માહોલ સર્જાયો હતો. ઈન્દુલાલ યાજ્ઞિક સ્કૂલ સ્થળાંતરીત કરતા સૂચક બેનરો સાથે સૂત્રાચ્ચાર કરાયા હતા. SMCની સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત થતા તેને ઉતારી પાડવામાં આવ્યુ હતુ. અને હવે ઉમરવાડાની સ્કૂલનું ભાઠેના સ્થાનાંતર કરવામાં આવ્યુ છે. એક જ બિલ્ડિંગમાં ગુજરાતી માધ્યમ અને ઉર્દુ માધ્યમની શાળા ચાલે છે. હવે આ શાળા બે કિલોમીટર દૂર ખસેડવામાં આવી છે. ઈન્દુલાલ યાજ્ઞિક સ્કૂલમાં 725 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલીઓ બે કિલોમીટર દૂર બાળકોને મોકલવા માટે તૈયાર નથી..નજીકમાં જ બનેલા શાળાના નવા બિલ્ડીંગમાં સ્કૂલ ચાલુ થાય તેવી વાલીઓની માંગણી છે.

વાલીઓએ કરી માગ

સુરત નગર પ્રા.શિક્ષણ સમિતિ ખાતે વાલીઓએ જણાવ્યુ હતુ કે, શાળાને દૂર ખસેડવામાં આવતા વિદ્યાર્થીઓેને શાળા મોકલવામાં તકલીફ પડશે. આ ઉપરાંત શાળાએ મુકવા આવતા રિક્શા અને વાનમાં પણ ફીનો વધારો થશે. આ ઘરના બજેટ પર સીધી અસર જોવા મળશે. તેથી વાલીઓએ જણાવ્યુ હતુ કે, જે નવુ બિલ્ડિંગ તૈયાર થયુ છે. તેમાં સ્કૂલ ચાલુ કરવામાં આવે. આ શાળામાં સ્કૂલમાં 725 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેથી વિદ્યાર્થીઓની પરિસ્થિતિ જોઇને યોગ્ય નિર્ણય કરવામાં આવે તે જરુરી છે. 

  • Follow us on: