સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં 6 વર્ષની બાળકીને પીંખી નાખનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી બિહારથી પકડવામાં આવ્યો છે. આરોપીનું નામ જય મંગલ છે. બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાના હવસની શિકાર બનાવી હતી. આરોપી પોતાના ઘરે લઇ જઇને બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. પીડિત બાળકીએ જ્યારે રડતા-રડતા પોતાની આપવીતી સંભળાવી હતી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અને પોલીસને આ ઘટનાની જાણ કરાઇ હતી. અને પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ચોકલેટની લાલચ આપી કર્યુ દુષ્કર્મ
સુરતમાં ગુનાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યુ છે. એક તરફ, મર્ડર તો બીજી તરફ દુષ્કર્મની ઘટનાએ સુરક્ષા કાયદા પર પ્રશ્ન ઉભા કર્યા છે. જ્યાં એક તરફ 'સબ સલામત'ના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યાં બીજી તરફ, બેફામ બનેલા આવારા તત્ત્વો પોતાની હિંમત વધારી રહ્યા છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પાડોશમાં રહેતો જય મંગલ નામના શખ્સે બાળકીને ચોકલેટની લાલચ આપી હતી. અને તેને પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યુ હતુ. ઘટના બાદ પોતાની જાતને બચાવવા માટે આરોપી જય મંગલ બિહાર ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિત બાળકીએ તેની સાથે બનેલી ઘટના તેના કાકાને સંભળાવી હતી. જે બાદ પોલીસમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે કેસમાં સતર્કતા દાખવીને આરોપી જય મંગલને બિહારથી ઝડપી પાડ્યો હતો. અને પોલીસે આરોપીને ઘટના સ્થળે લઇ જઇને પંચનામું કર્યુ હતુ.
સુરતમાં બેફામ ગુનેગારો
હીરાની નગરી અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીનું હોમ ટાઉન સુરત જાણે ગુનાઓનું હબ બની રહ્યુ છે. 'સબ સલામત'ના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. પોલીસની કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. બાળકીઓ સાથે થઇ રહેલા ગુનાઓના કેસ વધી રહ્યા છે. મહિલા સુરક્ષામાં પણ બેદરકારી સામે આવી રહી છે. ત્યારે આ મામલે હવે કોઇ કડક કાયદા બનાવવામાં આવે તે જરુરી છે.