ઓલપાડમાં તાલુકા વહીવટીતંત્રની અનુસુચિત જનજાતિ જન્મ-મરણ નોંધણી ઝુંબેશ લઈ વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે પ્રમાણપત્ર તથા ભજનમંડળીઓને સંગીત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ ઝુંબેશમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તલાટીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું.
સરકારી યોજનના લાભ આપવાનો ઉદેશ્ય
હળપતિ સમાજના લોકોને વર્ષોથી જન્મ-મરણ નોંધણીના અભાવે મિલકતોમાં વારસાઈ, આવાસ યોજનાના લાભ સહિત અનેક સરકારી યોજનાકીય લાભો મળવામાં મુશ્કેલી પડે છે. જે-તે સમયે નોંધણી ન કરાવવાની ઉદાસીનતા અને શિક્ષણના અભાવના કારણે સરકારી યોજનાના લાભ મેળવવામાં મુશ્કેલી પડતી હતી પરંતુ આ ઝુંબેશથી હળપતિ ભાઈ-બહેનોને પ્રમાણપત્રો મળતા મિલ્કતમાં વારસાઈ, આવાસ યોજના, અન્ન સુરક્ષા સહિતના યોજનાકીય લાભો સરળતા મળશે. વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ ઓલપાડ તાલુકાના 108 ગામોના ડોર ટુ ડોર સર્વે કરી જન્મ-મરણની નોંધણી ન થઈ હોય તેવા હળપતિ સમાજના ૫૪૫ લોકોની ઓળખ કરાઈ હતી. જન્મના વર્ષો બાદ જન્મનો દાખલો કઢાવવા ૫થી દસ હજારનો ખર્ચ થતો હોય છે. વહીવટી તંત્રની પહેલથી ઘરઆંગણે પ્રમાણપત્રો અપાયા છે. આવનાર સમયમાં વારસાઈ કરાવવા માટેની ખાસ ઝુંબેશ યોજાશે.
હળપતિ સમાજ વિવિધ સ્થાન પર
મહત્વનું છે કે હળપતિ સમાજનો ઉદભવને લઈને રાજ્યમાં અનેક વખત જુદા-જુદા અભિપ્રાય જોવા મળ્યા છે. એક ધારણા મુજબ હળપતિ સમાજ મુખ્યત્વે ભારતના ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. આ સમુદાયના લોકો ગુજરાતના અનેક રાજ્યો ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ જોવા મળે છે. તેઓ તળાવિયા અથવા તલવી રાઠોડ તરીકે પણ ઓળખાય છે. જ્યારે અન્ય એક માન્યતા મુજબ હળપતિ શબ્દનો અર્થ ગરીબ ખેડૂત એવો થાય છે. આધુનિક ભારતની ક્રાંતિ પછી મહાત્મા ગાંધીએ ખેડૂતોનું તેમનું નામ બદલીને હળપતિ નામના નવા બિરુદથી ઓળખાવ્યા હતા. હળપતિઓનો દાવો છે કે તેઓ રાઠોડ રાજપૂતો હતા, જેમણે આ ઉપનામ તેમના ખેતીના વ્યવસાયના લીધે મેળવ્યું હતું. તેઓ હળપતિ તરીકે પણ ઓળખાય છે. આમ હળપતિ સમાજના ઉદભવ સ્થાનોને લઈને જુદા-જુદા મંતવ્યોના કારણે તેઓ સરકારની યોજનાથી વંચિત ના રહે માટે રાજ્ય સરકાર દ્વારા નોંધણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.