સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના એસ.ટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ માટે ખાસ વોલ્વો બસની નવી સુવિધા શરૂ કરવામાં આવ્યો છે. જેથી હવે સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે મુસાફરોને સીધી જ વોલ્વો બસ મળી રહેશે અને મુસાફરો આરામદાયક મુસાફરી કરીને પોતાના વતનમાં જઈ શકશે. આ સેવા શરૂ કરવાની મુસાફરોનો ઘણો સમય પણ બચશે. જો કે આના માટે મુસાફરોએ થોડાક વધારે પૈસા ચુકવવા પડશે, કારણ કે સાદી બસ કરતા વોલ્વો બસનું ભાડું થોડું વધારે હોય છે.



એસ.ટી વિભાગે વોલ્વો બસની નવી સુવિધા શરૂ કરી

તમને જણાવી દઈએ કે સુરતના અડાજણથી આંકોલવાડીની વોલ્વો બસ સેવા હાલમાં શરૂ કરવામાં આવી છે. સાંસદ મુકેશ દલાલ દ્વારા લીલી ઝંડી આપીને વોલ્વો સેવા શરૂ કરવામાં આવી છે. સુરતમાં વસવાટ કરતા કાઠિયાવાડના મુસાફરોની લાગણી અને માગણીને ધ્યાને રાખી સુરત એસ.ટી. વિભાગની અડાજણ (સુરત) - આંકોલવાડી (ગીર) AC Volvo બસ સેવા (વાયા વડોદરા - રાજકોટ - જૂનાગઢ)ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે.

બસ સેવાઓ મુસાફરોની સફર વધુ આરામદાયક અને સગવડયુક્ત બનાવશે: સાંસદ મુકેશ દલાલ

ઉલ્લેખનીય છે કે વોલ્વો બસ સેવાને લીલી ઝંડી આપતા સાંસદ મુકેશ દલાલે કહ્યું કે આ બસ સેવાઓ મુસાફરોની સફર વધુ આરામદાયક અને સગવડયુક્ત બનાવશે એવો વિશ્વાસ છે, ત્યારે મુસાફરી કરનાર સૌને સુખદ યાત્રાની હૃદયથી શુભકામના પાઠવું છું. આ બસ દરરોજ નિયમિત સાંજે 7 વાગ્યે અડાજણ, સુરતથી આંકોલવાડી તેમજ સાંજે 5 વાગ્યે આંકોલવાડીથી સુરત - અડાજણ પરત આવશે. સૌરાષ્ટ્ર અને સુરતના સૌ મુસાફરોને આ બસનો લાભ લેવા અનુરોધ પણ સાંસદ મુકેશ દલાલે કર્યો છે.

  • Follow us on: