સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા(થાન) ગામની સીમમાં કોલસાના ગેરકાયદે કૂવામાં ભેખડ ધસી પડતા 2થી 5 શ્રમિકો દટાયા હોવાના સમાચાર ગઈકાલ સાંજથી સોશ્યિલ મીડિયામાં વહેતા થયા હતા અને તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું હતું. મોડી સાંજથી લીંબડી,ચોટીલા પ્રાંત અધિકારીઓ, ખનીજ વિભાગની ટીમ, સાયલા મામલતદાર તથા પોલીસના કાફલા દ્વારા કથિત બનાવ સંદર્ભે વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા ગેરકાયદે ચાલતા કોલસાના કુવાઓ પર તપાસ હાથ ધરાઈ હતી.


તંત્ર દ્વારા તપાસ સમેટી લેવામાં આવી

પરંતુ 18 કલાકના સર્ચ ઓપરેશન બાદ પણ તંત્રને બનાવ સ્થળ કે દટાયેલા શ્રમિકો વિશે કોઈ જ નક્કર માહિતી કે હકીકત મળવા પામી નથી, ત્યારે આ વાત માત્ર એક અફવા છે કે એવો કોઈ બનાવ બન્યા બાદ ખનીજ માફીયાઓ દ્વારા મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હોય તેવી વાતો વચ્ચે તંત્ર દ્વારા હાલ તો કોઈ જ પ્રકારનું તથ્ય જાણવા નહીં મળતા તે બાબતે નીલ પંચરોજ કામ કરી તપાસ સમેટી લેવામાં આવી હતી.

મજૂરો દટાયા હોવાની વહેતી થયેલી વાતથી ચકચાર મચી

ચોરવીરા વિસ્તારમાં ચાલતા કાર્બોસેલ ખનીજની ગેરકાયદે ખાણોમાં અગાઉ પણ ગેસ ગળતરથી બે લોકોના મોત થવા પામ્યા છે, તેમજ જોખમી રીતે ખનીજ કાઢવાની પ્રક્રિયામાં અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે શનિવારના રોજ બપોરના સમયે આ વિસ્તારમાં કોઈ કોલસાના કૂવામાં ઓચિંતી ભેખડ ધસી પડતા 5 જેટલા કામ કરતા લોકો દટાયા હોવાની વહેતી થયેલી વાતથી ચકચાર મચી જવા પામી હતી. તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કથિત બનાવને ગંભીરતાથી લેતા આ બાબતે તરત કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી હતી.

20 કલાક જેટલા સમય સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું

કોલસાના કૂવામાં શ્રમિકો દટાયા બાબતે લોકોમાં તથા સોશ્યિલ મીડિયામાં જાત જાતની વાતો વચ્ચે લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, ચોટીલા પ્રાંત અધિકારી, ડીવાયએસપી વિશાલ રબારી, સુરેન્દ્રનગર ખનીજ વિભાગની ટીમ સાથે સાયલા પોલીસનો કાફલા દ્વારા ચોરવીરાની સીમમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. 20 કલાક જેટલા સમય સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં આજુબાજુના લોકોના નિવેદનો નોંધી કરાયેલી પૂછપરછ દરમ્યાન આવી કોઈ ઘટના નહીં બની હોવાની હકીકતની પુષ્ટિ થતા તંત્રના અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ઊડતી વાતો મુજબ શનિવારે બનેલા આ કથિત બનાવમાં જે તે સ્થળે જમીનનો કેટલોક ભાગ પણ બેસી ગયો હોવાની ચર્ચાઓ ચાલી હતી, પરંતુ તંત્રની ટીમોને આવી કોઈ જમીન મળી આવી ન હતી. હાલ તો આ ઊડતી વાતો વચ્ચે ખનન માફીયાઓ દ્વારા તેમના કાળા કારનામા બંધ કરી દેવાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે જો આ ભેખડ ધસી પડતા મજૂરોના મોતનો બનાવ કદાચ બન્યો હોય તો તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થશે તે હકીકત છે.

ગેરકાયદે કોલસાનું ખનન ચાલુ હોવાની પુષ્ટિ

ચોરવીરા ગામે કથિત દુર્ઘટના બાબતે તંત્રના સંયુક્ત તપાસ અભિયાન દરમ્યાન બે જગ્યાઓ પર કોલસો કાઢવાની ચરખીઓ મળી આવતા ત્યાં ગેરકાયદે ખોદકામ ચાલુ હોવાનું સાબિત થયું હતું. ખનીજ વિભાગ દ્વારા બંને કુવાઓ પરથી ચરખીઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: