• સતત બીજા દિવસે ઝડપાઈ બોટલો

  • શંકાસ્પદ સિરપનો જથ્થો કબજે લેવાયો
  • પાન પાર્લરની દુકાનેથી ઝડપાયો જથ્થો

જામનગરમાં સતત બીજા દિવસે શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના નોંધાવા પામી છે. અહીં જામનગર અને સિક્કામાંથી કેફી હર્બલ બોટલો ઝડપાઈ હોવાની ઘટના નોંધાઈ છે. આ જથ્થાને હાલમાં તંત્ર દ્વારા કબજે લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ જથ્થો પાન પાર્લરની દુકાનોએથી મળવા પામ્યો છે.

ખેડા બિલોદરા કાંડની ઘટનાના પડઘા પૂરા રાજ્યમાં પડ્યા છે. આ ઘટના પછી રાજ્યના પોલીસવડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ખુદ સરકાર દ્વારા પણ આ મામલે નોંધ લેવાઈ છે. આ મામલે સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ ટીમો દ્વારા રેડ પાડવાની કામગીરી કરાઈ હતી. જેમાં વિવિધ જગ્યાએથી મોટી સંખ્યામાં શંકાસ્પદ આર્યુવેદિક સિરપનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થાને ઝડપી લેવાયા બાદ તેને વધુ તપાસ માટે સામાન્ય રીતે સેમ્પલિંગ કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવતું હોય છે. જેથી હવે આ જથ્થાની પણ વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવે તેવું નક્કી છે અને તેના પછી કસૂરવારોની સામે પગલા ભરવામાં આવશે.

આ જ શ્રેણીમાં જામનગર પોલીસ દ્વારા પણ જિલ્લાભરમાં દરોડાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગઈ કાલે જામનગરમાં અલગ અલગ જગ્યાએથી શંકાસ્પદ સિરપની બોટલો જપ્ત થઈ હોવાની જાણકારી સામે આવી હતી. તંત્રની આ કામગીરી આજે પણ ચાલુ રહેવા પામી હતી અને આજે પણ સતત બીજા દિવસે જામનગર શહેર અને સિક્કામાંથી કેફી આર્યુવેદિક બોટલો ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે.

માહિતી પ્રમાણે જામનગર અને સિક્કામાંથી આયુર્વેદિક બ્રાન્ડની કેફી પ્રવાહીની બોટલો ઝડપાઈ હતી. પાન અને કોલ્ડ્રીંકસની દુકાનમાં વેચાતા હર્બલ કેફી પીણાંના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો હતો. જામનગર તાલુકાના સિક્કા ગામે પંચવટી સોસાયટીમાં આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં સ્ટોલ હેલ આયુર્વેદીક બ્રાન્ડની 123 બોટલ મળી આવી હતી જેને કબજે લેવામાં આવી હતી. આ ઉપરાંત જામનગરના અંબર સિનેમા સામે શંકર વિજય પાનની દુકાનમાંથી હેરબી ગોલ્ડ અશ્વ નામની 47 બોટલ મળી આવી હતી જેને પણ કબજે લેવામાં આવી હતી. પોલીસે હાલ આ બંને દુકાનમાંથી મળેલ આર્યુવેદિક હર્બલ કેફી બોટલોને પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપી છે. જેના રિઝલ્ટ આવ્યા બાદ કસૂરવારો સામે વધુ પગલા ભરવામાં આવે તેવી શક્યતાઓ છે.


  • Follow us on: