તાપીના છેવાડાના ઉચ્છલ તાલુકાના ચઢવાણ ગામે ઘરમાં એકલી રહેતી 43 વર્ષીય વિધવા મહિલાની ગળું દબાવી હત્યા બાદ ઘરેણાંની લૂંટનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો ઉચ્છલ તાલુકાના ચઢવાણ ગામે નીચલા ફળિયામાં રહેતી સુમિત્રા વસાવા નામની મહિલા રહેતી હતી.
બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા હતા
તેણીના પતિનું કોરોનાકાળમાં અવસાન થતા તે એકલવાયું જીવન જીવતી હતી. ઘટનાની રાત્રે સુમિત્રા વસાવા પોતાના ઘરે રાત્રે સૂતા હતા, ત્યારે કોઈ ઈસમે ગળું દબાવી હત્યા કરી ઘરેણાંની લૂંટ થતાં મૃતક મહિલાના પુત્રની ફરિયાદ નોંધી પોલીસે બાતમીદારોને સક્રિય કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ચઢવાણ ગામમાં એકલી રહેતી વિધવા મહિલા સુમિત્રાનો હત્યારો અન્ય કોઈ નહીં, પરંતુ કૌંટુબિક દિયર જ નીકળતા પોલીસ ચોંકી ઉઠી હતી. ભાભીની હત્યાના કેસમાં પોલીસે પકડેલા અનીશ કાથા વસાવાની વાત કરીએ તો તે તેની કૌટુંબિક વિધવા ભાભી સુમિત્રાનું ખેતર ખેડતો હતો અને અવારનવાર ફોન પર વાત થતા બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા હતા.
પોલીસે બાતમીદારોના નેટવર્કથી હત્યાનો કોયડો ઉકેલી નાખ્યો
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે હત્યાના સમયે અનીશ વસાવાની હાજરી અને બાતમીદારોના નેટવર્કથી હત્યાનો કોયડો ઉકેલી નાખ્યો હતો. બીજી તરફ જ્યારે પોલીસે હત્યારા અનીશ કાથા વસાવાની કડકાઈથી પૂછપરછ કરતા તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો. અનીશે ઘટનાના દિવસની સમગ્ર વાત પોલીસ સમક્ષ કરી હતી. ઘટનાની રાતે અનીશ સુમિત્રાના ઘરે આવ્યો હતો. અનિશે પરણિત હોવા છતાં સુમિત્રાને કહ્યું કે "આપની વચ્ચે પ્રેમ સબંધ તો છે જ તો તું મારી સાથે રહેવા આવતી રહે" આ વાતનો સ્વીકાર કરી સુમિત્રાએ અનીશને એમ કહ્યું કે "હું ત્યાં નહીં આવું, તું જ મારી સાથે રહેવા આવતો રહે" આમ સુમિત્રાએ અનીશને કહેતા તે ઉશ્કેરાયો હતો અને પોતાની પ્રેમિકાનું ગળું દબાવી દેતા સુમિત્રા મોતને ભેટતા અનીશ ગભરાયો હતો અને ત્યાંથી નાસી છૂટયો હતો.
જો કે ઘરેણાં કોણે લૂંટ્યા તે મોટો પ્રશ્ન?
એક તરફ અનિશે હત્યા કરી હોવાની કબૂલાત તો કરી પરંતુ ઘરેણાંની લૂંટ બાબતે કોઈ બીજું લઈ ગયું હશે એમ કહી ઘરેણાં બાબતે પોતે કઈ નહીં જાણતો હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. ત્યારે એક તરફ વિધવા મહિલા સુમિત્રાની હત્યાના રહસ્યનો પડદો તો ઉંચકાયો, પરંતુ સુમિત્રાની હત્યા બાદ ઘરેણાં કોણે લૂંટયા ? આ રહસ્ય ઉચ્છલ પોલીસ સામે કોયડો બની ચૂક્યો છે.