જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના આતંકી હુમલામાં યાત્રીઓના નિધનના સમાચાર સમગ્ર રાષ્ટ્ર અને માનવ સમાજ માટે ખૂબ જ દુ:ખદાયક છે. આ હ્રદયવિદારક ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમના આત્માની શાંતિ માટે આજે સોમનાથ મહાદેવના પવિત્ર મંદિર ખાતે શાંતિપાઠ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.


પૂજા સામગ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરાઈ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મૃતકોની આત્માને શાંતિ માટે સંકલ્પ લઈને પૂજા સામગ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરાઈ હતી. આ સામગ્રી દ્વારા પૂજારીશ્રીઓ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી અને દુઃખી પરિવારોને આ કપરી પરિસ્થિતિમાં ઈશ્વર સહનશક્તિ આપે તેવી પ્રાર્થના સાથે ટ્રસ્ટના પૂજારીશ્રી તેમજ સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા શાંતિપાઠ કરવામાં આવ્યા હતા. આ શોકની ક્ષણમાં સમગ્ર દેશ શોકગ્રસ્ત પરિવારજનોની સાથે ઊભો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી કે તેઓ નિધન પામેલાઓના આત્માઓને મોક્ષ પ્રદાન કરે તથા પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

રિલાયન્સની હોસ્પિટલમાં ઘાયલ થયેલા લોકોની મફતમાં સારવાર કરાશે: મુકેશ અંબાણી

બીજી તરફ દેશની દિગ્ગજ કંપની રિલાયન્સે આ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલો ઝડપી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી છે. આ દરમિયાન મુકેશ અંબાણી ઘાયલોની સારવાર માટે મોટી જાહેરાત પણ કરી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશનના સર એચ.એન. હોસ્પિટલમાં હુમલામાં ઘાયલ થયેલા લોકોની મફતમાં સારવાર કરવામાં આવશે. મુકેશ અંબાણીએ આતંકવાદને માનવતાનો દુશ્મન ગણાવ્યો અને તેમણે કહ્યું હુમલાને કોઈપણ રીતે કે કોઈએ સમર્થન આપવું જોઈએ નહીં. આતંકવાદના ખતરા સામેની નિર્ણાયક લડાઈમાં અમે વડાપ્રધાન મોદી અને ભારત સરકાર અને સમગ્ર રાષ્ટ્રની સાથે છીએ.


  • Follow us on: