રાજકોટ ભાવનગર હાઈવેની હાલત અત્યંત ખરાબ છે. ત્યારે હાઈવે રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે તાલુકા પંચાયતના સદસ્યએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને જો 1 મહિનામાં આ અંગે કોઈ નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.


હાઈવે પર ખાડાઓને કારણે એક્સિડન્ટમાં વધારો થયો

રાજકોટ-ભાવનગર હાઈવે અત્યંત ખરાબ હાલતમાં હોય તત્કાલ રિ-સર્ફેસિંગ કરવાની માગણી સાથે તાલુકા પંચાયતના સદસ્ય નિશિતભાઈ બાબુભાઈ ખૂંટ દ્વારા કલેક્ટર પ્રભવ જોશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે રાજકોટ-ભાવનગર હાઈવે રાજકોટથી આટકોટ સુધી અત્યંત ખરાબ હાલત હોય તથા અવારનવાર અજાણ્યા વાહનો રસ્તા પર આવતા અચાનક ખાડાને કારણે એક્સિડન્ટમાં વધારો થયો છે.

વારંવાર રજૂઆત કરતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી

છેલ્લા બે વર્ષથી વારંવાર રજૂઆત કરતા એક જ જવાબ મળે છે કે રાજકોટ-ભાવનગર હાઈવે રિ-સર્ફેસિંગના કામનું ટેન્ડર પ્રક્રિયામાં છે. આવા ઉડાઉ જવાબ છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ. વારંવાર રજૂઆત કરતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તો આગામી દિવસોમાં એક મહિનામાં રોડનું યોગ્ય નિરાકરણ કરવામાં ન આવે તો રાજકોટથી આટકોટ સુધી પદયાત્રા અને જરૂર પડશે તો રોડ રોકો આંદોલન પણ કરવામાં આવશે. આ રજૂઆતમાં તાલુકા પંચાયતના સદસ્ય નિશિત ખૂંટ ઉપરાંત કસ્તુરબાધામના સરપંચ ભાવેશ પીઠવા, તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ બોરડ, વલ્લભભાઈ રંગાણી સહિતના આગેવાનો જોડાયા હતા.


  • Follow us on: