- સ્વિમિંગ કરનાર યુવકનું હાર્ટ એટેકથી મોત
- સવારે યુવાન સ્વિમિંગ કરીને બહાર નીકળ્યો હતો
- સ્વિમિંગ બાદ સ્નાન કરવા જતાં યુવાન ઢળી પડ્યો
વડોદરાના કારેલીબાગ સ્વિમિંગપુલમાં ગોઝારી ઘટના બની છે. જેમાં સ્વિમિંગ કરનાર વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયુ છે. આજે સવારે વ્યક્તિ સ્વિમિંગ કરીને બહાર નીકળ્યા હતા. તેમાં સ્વિમિંગ બાદ સ્નાન કરવા જતાં તેઓ ઢળી પડ્યા હતા.
અન્ય સ્વીમરોએ સીપીઆર આપી તેમને હોસ્પિટલમાં ખસેડયા
અન્ય સ્વીમરોએ સીપીઆર આપી વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં સારવાર દરમ્યાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્ટ્રોક એ એક ગંભીર સમસ્યા છે જે આજકાલ ઘણા લોકોને અસર કરી રહી છે. હાલના સમયમાં સમગ્ર દેશમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં વધુ કેસ જોવા મળી રહ્યા છે. હાલમાં જ બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને પણ હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસો હવે લોકો માટે ચિંતાનો વિષય બની ગયા છે. ખાસ કરીને જ્યારે પુખ્ત વયના અને યુવાનો ફિટ અને સ્વસ્થ હોવા છતાં સતત હાર્ટ એટેક આવતા હોય છે.
અગાઉ બીજી બે હાર્ટ એટકની ઘટના સામે આવી હતી
અગાઉ વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. વાઘોડિયા રોડ પર રહેતો 37 વર્ષીય તત્સતકુમાર ભટ્ટ ક્રિકેટ રમવા ગયો હતો ત્યાં તેને અચાનક ગભરામણ થઇ અને ઢળી પડ્યો હતો. બાદમાં તેને ખાનગી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત શહેરના ફતેગંજમાં પણ બીજી એક હાર્ટ એટકની ઘટના સામે આવી હતી, ફતેગંજના કમાટીપુરામાં રહેતો 47 વર્ષીય સંતોષ દેસાઈ ફરજ પર હતો તે દરમિયાન તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. બાદમાં સંતોષને સારવાર અર્થે ગોત્રી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.