- કોઈપણ ચૂંટણીમાં હારજીત વિસ્તાર અને ઉમેદવાર પર નિર્ભર છે
- ભરૂચ,બનાસકાંઠા,વલસાડના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર
- ભાજપ અને કોગ્રેસે લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર કર્યો શરૂ
માહોલ ભલે કોઈપણ રાજકીય પક્ષનો હોય પરંતુ જો સ્થાનિક સ્તરે સમીકરણ બદલે તો ચોક્કસ તેની અસર જે તે સીટની હારજીત પર થતી હોય છે.આમ તો ગુજરાતમાં ભાજપની તરફેણમાં માહોલ જણાઈ રહ્યો છે પરંતુ એવી ત્રણ સીટ છે કે જ્યાં કાંટાની ટક્કર થશે તેવું માનવામાં આવી રહ્યું છે.ભલે રાજકીય પક્ષો જીતના દાવા કરતું હોય પરંતુ ભરૂચ, બનાસકાંઠા અને વલસાડ બેઠકમાં કોઈ ચોક્કસ રાજકીય પક્ષ તરફ માહોલ નથી જણાઈ રહ્યો.
બનાસકાંઠાનુ રાજકીય ગણિત
ભલે ચૂંટણી સમયે કોઈપણ રાજકીય પક્ષ રાષ્ટ્રીય મુદ્દા સાથે ચૂંટણી પ્રચારમાં આવે પરંતુ સ્થાનિક મુદ્દા અને રાજકારણ પણ જે તે સીટ જીત કે હાર માટે જવાબદાર હોય છે.સૌથી પહેલા વાત કરીએ બનાસકાંઠા બેઠકની આ બેઠકમાં ભૂતકાળમાં 8 કે 10 હજારના સામાન્ય માર્જિનથી હાર જીત થયેલી છે.આમ તો આ બેઠકમાં ચૂંટણી જાહેર થાય એટલે કાયમ ચૌધરી VS ઠાકોર ચૂંટણી માહોલ બની જતો હોય છે.આગામી ચૂંટણી માટે ભાજપે બિન રાજકીય અનુભવ વાળા રેખા ચૌધરીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે તો સામે કોંગ્રેસે પાક્કા રાજકારણી અને સ્થાનિક રાજકારણના નાડ પારખું ગેની બેન ઠાકોરને ચૂંટણી મેદાનમાં ઉતારેલા છે.આ બેઠકમા ચૂંટણી જાહેર થાય એટલે મુખ્ય બે સમાજ આમને સામને મતદાન કરે છે પરંતુ ચૌધરી મતદારોમાં પણ ફાંટા પડતા હોય છે.હાલમાં બનાસકાંઠાના ચૌધરી નેતા શંકર ચૌધરી ચૂંટણી મેદાને આવી રેખાબેનને જીતાડવા મથામણ કરી રહ્યા છે,પરંતુ શંકરભાઈના ચૌધરી વાદના કારણે અન્ય સમાજ તેની સામે હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.એ પછી નોકરીની બાબત હોય કે સહકારી ક્ષેત્રની વાત હોય.અન્ય સમાજ ચોક્કસ તેમની વિરુદ્ધ મતદાન કરે તો બીજી તરફ ગેનીબેન ઠાકોર છે તે કોંગ્રેસને નહિ પરંતુ ઠાકોરને જીતાડવાની લાઈન પણ પ્રચાર કરી રહ્યા છે તે પછી મામેરાની વાત કરતા હોય કે પછી બનાસ ડેરીના રાજકારણની વાત કરતા હોય કે પછી અન્ય મુદ્દે રેખાબેન અને તેના પતિ હિતેશ ચૌધરીને ઘેરવાનો પ્રયાસ કરતા હોય આ તમામ મુદ્દા સાથે આગળ વધી રહ્યા છે.તો આ તરફ ભાજપ રેખા બેન નહી પરંતુ મોદીને જ આગળ કરી પ્રચાર કરી રહ્યા છે.સ્થાનિક સ્તરે એ વાત ચર્ચાઈ રહી છે કે વિસ્તારમાં સૌથી વધારે મતદારો ઠાકોર છે તો એ બાદ ચૌધરી અને એ બાદ રબારી સમાજ છે આગામી ચૂંટણીમાં ઠાકોર રબારી સાથે રહેશે જયારે અન્ય સુવર્ણ મતદારો ભાજપ તરફે રહેશે ગત લોકસભા ચૂંટણીના પરિણામ જોઈએ તો ભાજપના પરબત પટેલને 6 લાખ 79 હજાર 108 જયારે કોંગ્રેસના પરથી ભટોળને 3 લાખ 10 હજાર 812 મત મળ્યા હતા એટલે કે અંદાજે 3 લાખ થી વધારેના માર્જિન સાથે ભાજપે જીત મેળવી હતી તો ગત વિધાનસભામાં ભલે આપ અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડયા હોય પરંતુ આગામી લોકસભામાં ગઠબંધન સાથે ચૂંટણી લડી રહ્યા છે બનાસકાંઠામાં સમાવિષ્ટ વિધાનસભામાં ભાજપને કુલ વોટ 5 લાખ 52 હજાર 647 જયારે આપ અને કોંગ્રેસના ઉમેદવારના વોટ જોઈએ તો 5 લાખ 51 હજાર 152 વોટ મળ્યા હતા એટલે કે માત્ર 1 હજાર વોટનો જ ફરક રહ્યો છે.
ભરૂચનું રાજકીય ગણિત
તો આ બેઠકમાં પણ રસાકસી જોવા મળશે કોનું પલળું ભારે રહે છે એ તો પરિણામ બાદ ખ્યાલ આવશે પરંતુ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય કોંગ્રેસે આદિવાસી પ્રભાવિત સીટ પર આદિવાસી ઉમેદવારને તક આપી નથી.પરંતુ આપ સાથેના ગઠબંધનના કારણે આ સીટ પર આપણા ચૈતર વસાવા ચૂંટણી મેદાને છે.અને કોંગ્રેસના પરંપરાગત વોટ પણ આપ સાથે રહેશે એવી ધારણા અત્યારે ચાલી રહી છે.આમ તો આ સીટ પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 1998 થી જીતતા આવ્યા છે અને ભાજપે 7 મી વખત ટિકિટ આપી તેને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તેમ છતાં આ સીટ ભાજપ માટે કેમ ટફ માનવામાં આવે છે તેના પણ ચોક્કસ કારણો છે.ચૂંટણી મેદાને રહેલા ચૈતર વસાવા ગ્રાસરુટ પરના નેતા છે.પહેલા તે છોટુ વસાવા સાથે જ હતા અને છોટુ અને મહેશ વસાવાની જીતનું મેદાન ચૈતર વસાવા જ તૈયાર કરતા હતા.આમ તો તેનો પ્રભાવિત એરિયા ડેડીયાપાડા જ છે છેલ્લા દોઢ વર્ષથી તે લોકસભા ચૂંટણી માટેની કવાયત શરુ કરી દીધી છે અને લોકો સાથે સીધો સંપકઁ થાય તેવા તમામ સરકારી યોજનાના કામ તેમના દ્વારા કરવાં આવ્યા છે તો ચૈતર દ્વારા ભરૂચ લોકસભા વિસ્તારના લગભગ તમામ ગામડાઓમાં પ્રવાસ પૂર્ણ કરી દીધો છે બીજો એક મુદ્દો એ પણ છે કે ચૈતર વસાવા સાથે સંગઠન તો છે જ પરંતુ તેની આખી ટિમ અલગથી કામગીરી કરે છે.અને તમામ સામાજિક અને રાજકીય સમીકરણો માટે સીધી કે આડકતરી રીતે કામગીરી તેની પોતાની ટિમ દ્વારા કરવામાં આવે છે.આ બેઠકમાં સમાવિષ્ટ લઘુમતી મતદારો છે તે પૈકી ભરૂચ બેઠકના લઘુમતી મતદારો છે તે ભાજપ તરફી છે તો આ સિવાય વાગરા જંબુસર બેઠકના મોટાભાગના લઘુમતી મતદારો ચૈતર તરફ રહેશે જો આ બેઠકમાં ત્રી પાંખિયો જંગ થાય તો ઝઘડિયા બેઠકના લઘુમતી મતો ચૈતર સાથે ના રહે તો બીજી તરફ આદિવાસી મતદારોમાં આ વખતે ફાંટા પડશે.ગત લોકસભા ચૂંટણીના પરિણામ જોઈએ તો ભાજપને 6 લાખ 37 હજાર 795 વોટ મળ્યા હતા જયારે કોંગ્રેસને 3 લાખ 3 હજાર 581 મતો મળ્યા હતા હરજીતમાં અંદાજે 3 લાખનું માર્જિન હતું પરંતુ ભરૂચ લોકસભામાં સમાવિશષ્ટ વિધાનસભા સીટના ગત ચૂંટણીના પરિણામ જોઈએ તો બીજેપીને 6 લાખ 16 હજાર 461 જયારે આપ અને કોંગ્રેસને 4 લાખ 74 હજાર 85 વોટ એટલે કે તેમાં પણ ભાજપ આગળ છે આમ આ વખત પહેલી વખત લોકસભા ચૂંટણીમાં ભાજપ અને ગઠબંધનમાં આદિવાસી ઉમેદવારો વચ્ચે સીધી ફાઇટ થશે.
વલસાડનું રાજકીય ગણિત
આ બેઠક પર પણ કાંટાની ટક્કર જોવા મળી રહી છે.ભાજપ દ્વારા યુવા ચહેરા ધવલ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે તો આ તરફ કોંગ્રેસે આદિવાસી નેતા અનંત પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે આમ તો વલસાડમાં સમાવિષ્ટ 7 પૈકી એક માત્ર વાંસદા બેઠક પર જ કોંગ્રેસનો વિજય થયો હતો .પરંતું આ બેઠકમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ સંગઠન સાથે અનંત પટેલની પોતાની યુવાઓની ટિમ અત્યારે કામે લાગેલી છે.તેમની ટીમમાં બૌદ્ધિક સક્ષમ યુવાઓની ફોજ તેના માટે કામ કરી રહ્યું છે..તો આ તરફ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ નવો ચહેરો છે તો તેના વિરુદ્ધ સ્થાનિક સંગઠનમાં ભારે નારાજગી છે અને ફરી એક વખત પત્રિકા વોર થઇ છે અને ધવલ પટેલનો વિરોધ થઇ રહ્યો છે..અને તેને આયાતી ગણાવવામાં આવી રહ્યા છે.આમ તો ધવલ પટેલ સાથે ભાજપ સંગઠન મજબુતીથી કામ કરી રહ્યું છે પરંતુ આંતરિક રીતે સ્થાનિક સંગઠન તેનો ભારે વિરોધ કરી રહ્યું છે.જેથી આ બેઠક ભાજપ માટે સરળ રહી રહે.તો બીજી તરફ અનંત પટેલ પાક્કા રાજકારણી છે અને ગત ચૂંટણી પહેલા સામા પવને તેણે જીત મેળવી હતી તો અનેક આંદોલન પણ તેના દ્વારા કરવામાં આવ્યા હતા.ગત લોકસભા ચૂંટણી પરિણામ જોઈએ તો ભાજપને 7 લાખ 71 હજાર 980 વોટ જયારે કોંગ્રેસને 4 લાખ 18 હજાર 183 વોટ મળ્યા હતા એટલે કે લોકસભામાં માર્જિન 3 લાખ જેટલું હતું પરંતુ આ લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભાના ગત ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો બીજેપી ને 6 લાખ 84 હજાર 385 જયારે કોંગ્રેસ આપણે 5 લાખ 39 હજાર 510 વોટ મળ્યા હતા એટલે જે આ મતોમાં પણ 1 લાખથી વધારે માર્જિન સાથે ભાજપ આગળ છે.













