- આગામી 24 કલાક સુધી વરસાદી માહોલની આગાહી
- આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે
- સુરત, વલસાડ, નવસારીમાં છુટાછવાયા વરસાદની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. જેમાં આગામી 24 કલાક સુધી વરસાદી માહોલની આગાહી છે. આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તથા સુરત, વલસાડ, નવસારીમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ તાપી, ડાંગમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી
અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. તેમજ પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પણ વરસાદ આવશે. આવતીકાલથી વાતાવરણ સૂકું થશે. રવિવારે પરોઢિયે વાતાવરણમાં પલટો આવતા અમદાવાદ 'હિલ સ્ટેશન' બન્યું હોવાનો અમદાવાદીઓએ અહેસાસ કર્યો હતો. સવારથી જ વીજળીના કડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. બપોરે વિરામ બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
શહેરમાં સરેરાશ દોઢથી પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
શહેરમાં સરેરાશ દોઢથી પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને વાહન હંકારતા મુશ્કેલી વેઠવી પડી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારો અને રોડ સાઇડમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. કેટલાક રોડ બેસી જતા વાહનોના ટાયરો ફસાયા હતા.