રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં સુરેન્દ્રનગર, સુરત અને અમરેલી જેવા વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોએ બફારાથી હાશકારો અનુભવ્યો છે. પરંતુ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે. તો ઉનાળું પાકને નુકસાન જતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાય તેવો ઘાટ સર્જાયો છે. કયાંક પાણી ભરાતા વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. અમરેલીમાં પણ જોરદાર પવન સાથે ભારે કમોસમી વરસાદ ખાબક્યો હતો.


ધારી પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલીના ધારી પંથકમાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદની શરુઆત થઈ હતી. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જોરદાર વરસાદ વરસી જતા ધારી પંથકમાં વાહનચાલકો હેરાન થયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ વાતાવરણમાં ભારે પલટો આવી ગયો હતો. તેમજ ભારે પવન પણ ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. તેમજ વાહનચાલકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા હતા.

પાકને નુકસાન જાય તેવી સંભાવના

અમરેલી જિલ્લાના ધારી, નવાગામ, આંબરડી, છતડીયા સહીત ધારી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સાર્વત્રિક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોએ બફારામાંથી રાહત અનુભવી હતી. અગાઉ 4 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. જેથી ઉનાળુ પાકને નુકસાન થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ખેડૂતોને ડર છે કે, જો કમોસમી વરસાદ વરસશે તો તેમના પાકને મોટું નુકસાન થઈ શકે છે. અમરેલી સહિત સુરતમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે, સુરતના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી જતાં ખેડૂતોએ વાવણી કરેલો પાક ધોવાયો છે. જેથી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

  • Follow us on: