વડોદરામાં એક યુવતી સાથે દુષ્કર્મનો ચકચારી મામલો આવ્યો છે. જેમાં એક યુવતી પર દુષ્કર્મ આચરીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. જે મામલે 14 મેના રોજ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેનો આરોપ કોંગ્રેસ નેતાના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ પર લાગ્યો હતો. જે હાલ 10 દિવસથી ફરાર છે. તેને શોધી કાઢવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદી યુવતીએ કોંગ્રેસ નેતાના પુત્ર અનિરુદ્ધસિહ પર આરોપ લગાવ્યો હતો કે, આરોપીએ છેલ્લા 2 વર્ષથી યુવતી સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. જે બાદ ગર્ભ રહી જતા આરોપીએ મરજી વિરુદ્ધ જબરજસ્તી ગર્ભપાત કરાવ્યો હતો.


યુવતીએ પોલીસ કેસ નોંધાવ્યો

સમગ્ર મામલે યુવતીએ નંદેસરી પોલીસ મથકમાં SC/ST એક્ટ અને દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે, જેની પોલીસે તપાસ કરી છે. ફરિયાદ બાદથી આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ ફરાર છે અને છેલ્લા 10 દિવસથી પોલીસની પકડ બહાર છે. એસસી/એસટી સેલના એસીપી સી.બી. સોલંકીના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ ગુનો નોંધાઈ ગયો છે અને 3 અલગ-અલગ પોલીસ ટીમો તેના શોધખોળમાં લાગી છે. તેના મિત્રો તથા પરિવારજનોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. હાલ પીડિત યુવતીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે. આરોપી સામે એટ્રોસિટી એક્ટ તથા દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.

પોલીસે 3 ટીમો બનાવી

દુષ્કર્મના આરોપમાં 10 દિવસથી ફરાર આરોપી અનિરુદ્ધસિંહ કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ ગોહિલનો પુત્ર છે, તેમજ તે ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો દોહિત્ર છે. પોલીસે 3 ટીમો બનાવીને હાલ આરોપીની તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે યુવતીએ ન્યાયની માંગણી કરી છે. સમગ્ર મામલે વિસ્તારમાં ખૂબ જ ચકચાર મચી જવા પામી છે. તો હવે આરોપી ઝડપાશે કે નહી તે જોવાનું રહ્યું. હવે જોવાનું એ છે કે, આરોપી ક્યારે પોલીસના હાથ લાગશે અને ન્યાયની પ્રક્રિયા કેટલી ઝડપથી આગળ વધશે.

  • Follow us on: