વડોદરામાં હોરાઈઝન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં માસૂમ બાળક સાથે અમાનવીય વર્તન કરાયું હોવાનો વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચ્યો છે. સમગ્ર મામલે હાલમાં બાળકની માતાએ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે. બાળકની માતાએ કહ્યું કે આવા ચાઈલ્ડ સેન્ટર કેર બંધ થવા જોઈએ. CCTV ફૂટેજ છતાં સેન્ટર કેરના ડોક્ટર માનવા જ તૈયાર નથી કે તેમણે ખરાબ વર્તન કર્યું છે.બનાવ બાદ બાળક સતત રડી રહ્યું હતું અને જ્યારે તે બહાર આવ્યું ત્યારે તેણે મને કહ્યું કે તેને માર માર્યો છે.
આ પ્રકારના ચાઈલ્ડ કેર સેન્ટર બંધ થવા જોઈએ
હોરાઈઝન્સ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળકોનો વ્યક્તિગત વિકાસ થાય તે અર્થે સારવાર આપવામાં આવે છે. સેન્ટરનો એક વીડિયો આજે સવારથી જ સામે આવ્યો છે જેમાં ડોક્ટર નાના માસૂમ બાળક સાથે અમાનવીય વર્તન કરતા હોવાનું દેખાય છે. બાળકની માતાએ પણ ચાઈલ્ડ સેન્ટર કેરના નામે કમાણી કરતા આવા સેન્ટરો બંધ કરવાની અપીલ કરી છે. બાળકની માતાએ વ્યથા ઠાલવતા કહ્યું કે તેમનું બાળક ઓછું બોલતો હોવાથી તેમણે હોરીઝન્સ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂકયું હતું.આ સેન્ટર કેરમાં 3 મહિનાનું સેશન હોય છે. અને બાળકોને સારવાર માટે અઠવાડિયામાં 3 દિવસ બોલાવવામાં આવે છે. 15 માર્ચે જ્યારે સેન્ટર કેરનું સેશન પતાવી તેમનું બાળક બહાર આવે છે ત્યારે બહુ ડરેલુ હોય છે. મારા બાળકે બહાર આવીને કહ્યું મને માર માર્યો.
માતાએ ઠાલવી વ્યથા
15 માર્ચ બાદથી તેમનું બાળક વધુ ડરેલું રહેતા તેમણે સેન્ટરમાં તેમના બાળકના આ દિવસે કેવી સારવાર અપાઈ તેના CCTV ફૂટેજ તપાસવાની માગ કરી હતી. 45 મિનિટનું સેશન હોય છે તેમાં અમને ફક્ત 8 મિનિટના CCTV જ બતાવ્યા હતા. સીસીટીવીમાં દેખાય છે કે તેમનું બાળક સતત રડતું હતા છતાં ડોક્ટર થેરાપિસ્ટે તેને થપથપાવ્યું પણ નહીં. અને થોડા જ સમયમાં બાળકને એવું શું કર્યું કે તે રડતું બંધ થઈ ગયું. બાળકને ઇન્જેકશન આપ્યું હોવાનું મને અનુમાન છે. બાળકોનો વિકાસ કરવા અને તેમની સમસ્યા દૂર કરવા આવા કેર સેન્ટરમાં માતાપિતા બાળકોને મૂકતા હોય છે. ત્યાંના થેરાપિસ્ટ ડોક્ટર બાળકો સાથે આવું ક્રૂર વર્તન કરતા બાળકોમાં વિકાસ નહીં પરંતુ ભયભીત વધુ જોવા મળે છે.