• 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂને થશે શરૂ
  • કિરણ રિજીજૂએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
  • નવનિર્વાચિત સંસદ સભ્યો લેશે શપથ

મોદી સરકાર 3.0ની રચના થઇ ગઇ છે. 71 મંત્રીઓએ શપથ લીધા અને ખાતાની ફાળવણી થતા કામકાજ શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજીજૂએ બુધવારે આ અંગે માહિતી આપતા કહ્યું કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઇ સુધી ચાલશે. આ સત્રના પ્રથમ ત્રણ દિવસમાં નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે અને ગૃહના અધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવશે.

27 જૂનથી રાજ્યસભાનું સત્ર

તેમણે વધુમાં કહ્યું કે રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ પૂરું થશે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદી 27 જૂને રાષ્ટ્રપતિના સંબોધન પછી સંસદમાં તેમના મંત્રી પરિષદના સભ્યોનો પરિચય કરાવશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, આક્રમક વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર સંસદના બંને ગૃહોમાં ચર્ચાનો પીએમ મોદી જવાબ આપશે.

રાષ્ટ્રપતિ કરશે સંબોધન

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક સંબોધશે. જે આગામી પાંચ વર્ષની નવી સરકારના કાર્યોની રૂપરેખા રજૂ કરશે. આ અંગે કિરણ રિજીજુએ કહ્યું કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂન, 2024 થી 3 જુલાઈ 2024 સુધી નવા ચૂંટાયેલા સભ્યોના શપથ, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિના અભિભાષણ અને તેની પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી રહ્યું છે. 


  • Follow us on: