- ચીની મીડિયાએ US પર સાધ્યું નિશાન
- ભારતમાં અલ્પસંખ્યકો પર અત્યાચાર મુદ્દે પશ્ચિમી દેશો મૌન : ચીની મીડિયા
- ચીનને રોકવા માટે ભારતનો ઉપયોગ : ગ્લોબલ ટાઈમ્સ
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા વિવાદ પર હવે ચીની મીડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ મામલે ચીન સરકારના માઉથપીસ ગણાતા અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં એક આર્ટિકલ છપાયો છે, જેમાં અમેરિકા પર નિશાન સાધવામાં આવ્યું છે.
ગ્લોબલ ટાઈમ્સે પોતાના ઓપિનિયન આર્ટિકલમાં જણાવ્યું હતું કે "આ વિવાદ કથિત રીતે અમેરિકી મૂલ્યો પર આધારિત ગઠબંધનોના પાખંડને ઉજાગર કરે છે. ચીની અખબારે વધુમાં લખ્યું છે કે છેલ્લાં કેટલાક વર્ષોથી ભારત અને કેનેડાની વચ્ચેનો વિવાદ ત્યાં સ્થાયી થયેલા શીખ સમુદાયની આસપાસ કેન્દ્રિત રહ્યો છે. કેનેડામાં રહેલા શીખો મોદી સરકારની નીતિઓનો વિરોધ કરે છે અને શીખ સમુદાયના હિતોની વકાલત કરે છે."
ભારત-કેનેડા સંબંધોમાં તણાવ : ગ્લોબલ ટાઈમ્સ
વેબસાઈટે વધુમાં લખ્યું છે કે, "ભારતમાં શીખ સમુદાય અલ્પસંખ્યક છે. જેની વસ્તી લગભગ 2 કરોડની આસપાસ છે. તે દુનિયાભરના પ્રદેશોમાં વસે છે, પરંતુ કેનેડામાં તેમની સંખ્યા અપેક્ષાકૃત વધુ છે અને કેનેડામાં આ સમુદાય ઘણો જ મહત્વનો રાજકીય, વ્યાપારિક અને આર્થિક પ્રભાવ ધરાવે છે."
આ ઉપરાંત વધુમાં લખ્યું છે કે, "હાલના વર્ષોમાં કેનેડામાં અલગાવવાદી ખાલિસ્તાન આંદોલનનું ફરીથી ઊભું થવું એ બંને દેશો વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ બની ગયું છે. જેનો બંને દેશો વચ્ચેના સંબંધો પર ગંભીર પ્રભાવ પડી રહ્યો છે. ટ્રૂડોના આરોપોએ ભારત-કેનેડાના સંબંધોને વધુ તણાવગ્રસ્ત બનાવી દીધા છે."
અમેરિકી ગઠબંધન નબળું : ચીની મીડિયા
ગ્લોબલ ટાઈમ્સે આગળ લખ્યું, "હાલમાં જ G20 દરમિયાન થયેલી પીએમ મોદી અને પીએમ ટ્રૂડો વચ્ચેની મુલાકાત બંને દેશોના સંબંધોને દર્શાવે છે. નિજ્જરની હત્યાને લઈને બંને દેશો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે અને એકબીજાના રાજદ્વારીઓને નિષ્કાસિત કરી રહ્યા છે. આ બાબત અમેરિકાના નેતૃત્વવાળા તથાકથિત મૂલ્યો આધારિત ગઠબંધનની નબળાઈઓને દર્શાવે છે."
પશ્ચિમના દેશો ઢોંગી, ચીન વિરોધી મુદ્દાઓ માટે ભારતનો ઉપયોગ
પશ્ચિમી દેશો પર નિશાન સાધતા ચીની અખબારે છાપ્યું, "પશ્ચિમના દેશો માનવાધિકારોના રક્ષક હોવાનો દાવો કરે છે અને આ મુદ્દે તે બીજા દેશોની નિંદા પણ કરે છે. આ જ દેશો તથાકથિત ભારતીય લોકતંત્રની ચીન વિરોધી મુદ્દાઓ પર અને તેમના ભૂરાજનૈતિક હિતોની જાળવણી માટે ભારતને તેમની સાથે સામેલ કરવા માટે તેની પ્રશંસા કરે છે, જો કે આ દેશો તેમના અને ભારતીય લોકતંત્ર વચ્ચેના તફાવતને ઘણી સારી રીતે ઓળખે છે. પશ્ચિમી દેશોમાં પણ એવા ઘણાં લોકો છે જે ભારતની ધાર્મિક અને અલ્પસંખ્યક નીતિઓનું સમર્થન કરતા નથી." 
ભારત પર પશ્ચિમી દેશોનું વલણ પાખંડી : ગ્લોબલ ટાઈમ્સ
ગ્લોબલ ટાઈમ્સે આગળ લખ્યું કે અમેરિકા હાલમાં ઘણાં મુદ્દાઓ પર ચીનને રોકવા માટે ભારત સાથે સહયોગ વધારવાના પ્રયાસ કરી રહ્યું છે, જેના માટે પશ્ચિમી દેશો ભારતમાં માનવાધિકારોના હનન અને અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારોના મુદ્દે આંખ આડા કાન કરવા તૈયાર છે. જે તથાકથિત મુદ્દાઓ પર પશ્ચિમી દેશોના ભારત સાથેના ગઠબંધનમાં તેમના પાખંડને ઉજાગર કરે છે.