મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાને લઇને નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. આ હત્યાની જવાબદારી બિશ્નોઇ ગેંગે લીધી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાબા સિદ્દીકીની હત્યાને અંજામ આપવા માટે, આરોપીએ સેકન્ડ હેન્ડ બાઇક ખરીદી હતી અને લગભગ 25 દિવસ મુંબઈમાં રહીને બાબા સિદ્દીકીની હિલચાલની રેકી કરી હતી.


બાઇક કરી કબ્જે 

બાઇક ખરીદવા માટે આરોપી શુભમ લોનકરનો ધરપકડ કરાયેલા ભાઈ પ્રવન લોનકરે અન્ય આરોપી હરીશના બેંક ખાતામાં 60 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આરોપીઓ લગભગ 25 દિવસ સુધી મુંબઈમાં હતા. આ સમયગાળા દરમિયાન તેણે આ બાઇકનો ઘણી વખત રેકી માટે ઉપયોગ કર્યો હતો. આ બાઇકનો ઉપયોગ બાબા સિદ્દીકીની હત્યા કરવા અને પછી ભાગી જવા માટે કરવાનો હતો. પરંતુ એક દિવસ રેકી દરમિયાન બે શૂટર્સ બાઇક પરથી પડી ગયા, તેથી તેમને લાગ્યું કે બાઇક પર ઘટનાને અંજામ આપવો જોખમી છે. આથી તે લોકોએ બાઇકનો ઉપયોગ કરવાનો પ્લાન પડતો મૂક્યો અને રિક્ષામાં શૂટ કરવા આવ્યા હતા. જો કે ક્રાઈમ બ્રાન્ચે આ બાઇક કબજે કરી છે.

બેગમાં લાવ્યા હતા શર્ટ 

ઘટનાના દિવસે આરોપીઓ તેમની સાથે એક-એક વધારાનું શર્ટ લઈને આવ્યા હતા. હત્યા કર્યા બાદ ઓળખ બદલવા માટે આ શર્ટ પહેરવાનો પ્લાન હતો. આ ઘટના બાદ ત્રણમાંથી બે શૂટરોએ તેમના શર્ટ પણ બદલી નાખ્યા હતા. હત્યામાં 3 પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાંથી એક ઓસ્ટ્રેલિયન ગ્લોક પિસ્તોલ, એક ટર્કિશ પિસ્તોલ અને ત્રીજી દેશી બનાવટની પિસ્તોલ હતી. પોલીસે ત્રણેય હથિયારો કબજે કર્યા છે.

શૂટર્સે કેવી રીતે પસંદ કરી જગ્યા? 

શૂટરોએ 25 દિવસમાં ઘણી વખત બાબા સિદ્દીકીની હિલચાલની રેકી કરી હતી. આ દરમિયાન શૂટરોએ એવી માહિતી પણ એકઠી કરી હતી કે બાબા સિદ્દીકી જ્યાં પણ જાય છે, તે કારની અંદર જ રહે છે અને પરત ફરતી વખતે પણ તેઓ બિલ્ડિંગમાંથી જ ગાડીમાં બેસીને નીકળે છે. પરંતુ તેઓ જ્યારે જિશાનની ઑફિસે જાય છે ત્યારે તેઓ અમુક અંતર સુધી ચાલે છે અને પછી જ કારમાં બેસે છે. આ જાણકારી બાદ શૂટર્સે જિશાનની ઓફિસની જ પસંદગી કરી હોવાનું કહેવામાં આવે છે.

કોણ હતા બાબા સિદ્દીકી?

  • બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના રાજકારણમાં લોકપ્રિય ચહેરો હતા.
  • તેઓ આ વર્ષે કોંગ્રેસ છોડીને NCP (અજિત જૂથ)માં જોડાયા હતા.
  • તે ભવ્ય ઇફ્તાર પાર્ટીઓ યોજવા માટે જાણીતા હતો. જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપતા.
  •  તેમની પાર્ટીઓ બોલિવૂડના નાના-મોટા તમામ સ્ટાર્સ સાથે ચમકતી હતી.
  •  તેઓ 48 વર્ષથી કોંગ્રેસમાં હતા અને બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય પણ રહ્યા હતા.
  •  તેઓ મહારાષ્ટ્રમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે.


  • Follow us on: