- લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો
- સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની કરી જાહેરાત
- તેમના પુત્ર નવીન જિંદાલ ભાજપમાં જોડાયા છે
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક બાદ એક ફટકા સહન કરવાનો વારો આવી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં કોંગી નેતાઓ દ્વારા પક્ષપલટો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ભારતની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે.
ટ્વિટર પર કરી જાહેરાત
સાવિત્રી જિંદાલે બુધવારે ટ્વિટર પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરતા જણાવ્યું કે મેં ધારાસભ્ય તરીકે 10 વર્ષ સુધી હિસારના લોકોનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મંત્રી તરીકે હરિયાણા રાજ્યની નિઃસ્વાર્થ સેવા કરી છે. હિસારના લોકો મારો પરિવાર છે અને મારા પરિવારની સલાહ પર હું આજે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. તેમણે આગળ લખ્યું કે હું કોંગ્રેસ નેતૃત્વ અને મારા તમામ સાથીદારોના સમર્થન માટે હંમેશા આભારી રહીશ જેમણે હંમેશા મને તેમનું સમર્થન અને સન્માન આપ્યું.
પુત્ર જોડાયા ભાજપમાં
તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે તેમના પુત્ર નવીન જિંદાલ તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સાવિત્રી જિંદાલ પણ ભાજપમાં જોડાઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
કેટલી છે નેટવર્થ ?
ભારતની સૌથી ધનાઢ્ય મહિલાઓમાં ટોચ પર રહેલા સાવિત્રી જિંદાલ 84 વર્ષના છે અને જિંદાલ ગ્રુપનો વિશાળ બિઝનેસ સંભાળી રહ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, 28 માર્ચ, 2024ના રોજ, સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ $29.6 બિલિયન છે. જે ભારતીય રૂપિયામાં લગભગ 2.47 લાખ કરોડ રૂપિયા છે. દેશની સૌથી અમીર મહિલાઓની યાદીમાં તેમનું નામ પ્રથમ આવે છે, જ્યારે સાવિત્રી જિંદાલ વિશ્વના ટોચના અબજોપતિઓમાં 56માં સ્થાને છે.
સાવિત્રી જિંદાલની રાજકીય સફર
ઓપી જિંદાલ ગ્રુપના ચેરપર્સન સાવિત્રી જિંદાલે 10 વર્ષ સુધી હિસાર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે હરિયાણા સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. વર્ષ 2005માં વિમાન દુર્ઘટનામાં તેમના પતિ અને જિંદાલ સંસ્થાપના ઓપી જિંદાલના મૃત્યુ પછી તેમને હિસાર મત વિસ્તાર ક્ષેત્રથી હરિયાણા વિધાનસભા માટે પસંદગી કરવામાં આવી હતી. તેઓ 2009માં પણ ફરી એકવાર ચૂંટાયા અને ઓક્ટોબર 2013 માં તેમણે હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 2006માં શહેરી સ્થાનિક સંસ્થાઓ અને આવાસ રાજ્ય મંત્રી તરીકે કામ કર્યું, પરંતુ 2014ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હિસારથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.