• ભાજપને 2014 પછી અપાવી જીત

  • રાજ્યોમાં ભાજપની જીતનો ગ્રાફ વધ્યો
  • અત્યારે દેશના 17 રાજ્યોમાં ભાજપની સરકાર

આજે આવેલા વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવ્યા છે. એક્ઝિટ પોલ્સમાં જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કરનો માહોલ કહેવાયો હતો ત્યાં, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે પૂર્ણ બહુમતીની સાથે બંપર જીત મેળવી છે. અને હવે આ જીત મેળવ્યા પછી ભાજપ હવે 17 રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે

મહત્વનું છે કે હવે દેશના 17 રાજ્યોમાં ભાજપની પતાકા લહેરાઈ રહી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન હિન્દી હાર્ટલેન્ડના આ ત્રણેય મહત્વના રાજ્યોમાં હવે ભાજપની સરકાર બનશે. ત્રણેય રાજ્યોમાં ભાજપને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકોમાંથી ભાજપ 164 બેઠકો પર આગળ છે. ઉલ્લેખનીય છે કેમધ્ય પ્રદેશમાં 2013ની ચૂંટણીમાં ભાજપે 165 બેઠકો જીતી હતી. રાજસ્થાનમાં પણ ભાજપ 117 બેઠકો પર જીત મેળવતું જોવા મળી રહ્યું છે. છત્તીસગઢમાં પણ પાર્ટીને 90માંથી 56 બેઠકો મળતી દેખાઈ રહી છે. હિન્દી પટ્ટાના આ ત્રણ રાજ્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ રાજ્યોમાં લોકસભાની 65 બેઠકો છે. આ રાજ્યોમાં જીત સાથે ભાજપ હવે 17 રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથે સરકારમાં છે અથવા સરકારમાં સહયોગી છે. આમ આ ત્રણ રાજ્યોમાં જીતથી ભાજપની લોકસભા 2024ની જીતની દાવેદારી વધુ મજબૂત બની છે અને બ્રાન્ડ મોદીને વધુ ચમક મળી છે. લોકોનો ભાજપ અને પીએમ મોદી પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે.

2014માં શું હતી સ્થિતિ

દેશના રાજકીય નકશા પર નજર કરીએ તો અત્યારે દેશના 58 ટકા વિસ્તાર અને 57 ટકા વસ્તી પર ભાજપનું શાસન છે. ડિસેમ્બર 2014 સુધી ભાજપે 53 ટકા વિસ્તાર અને 40 ટકા વસ્તી પર શાસન કર્યું હતું. ડિસેમ્બર 2017 સુધી ભાજપે 78 ટકા વિસ્તાર અને 69 ટકા વસ્તી પર શાસન કર્યું હતું. 2018થી ભાજપનો વિજય રથ થોડો અટક્યો હતો. તે વર્ષે ભાજપે કર્ણાટકમાં પ્રથમ વખત સત્તા ગુમાવી હતી. પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ પણમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આમ ત્યારે 2014 પછી પહેલીવાર ભાજપને થોડો ફટકો પડ્યો હતો. પરંતુ 2019ની લોકસભા ચૂંટણી પછી ભાજપની શાઈન ફરી આવી હતી અને ભાજપે મોટાભાગની વિધાનસભા ચૂંટણીઓમાં વિજય મેળવ્યો હતો. જો કે હિમાચલ અને કર્ણાટકની હાર પછી આ વખતે ભાજપ માટે જીત મેળવવી એ નેવાના પાણી મોભે ચડાવવા જેવું કહેવાયું હતું, જો કે પીએમ મોદીના કરિશ્માએ વધુ એકવખત તમામ ધારણાઓને તોડીને ભાજપની સત્તામાં જોરદાર વાપસી કરાવી છે.

2019માં ભાજપનો શુ સિતારો હતો

ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીત મેળવી હતી. પરંતુ રાજ્યોમાં તેની સરકારો હારી હતી. પરિણામ એ આવ્યું કે ડિસેમ્બર 2019 સુધીમાં ભાજપનું શાસન ઘટીને 34 ટકા વિસ્તાર અને 44 ટકા વસ્તી થઈ ગયું. જો કે આ પછી ભાજપનો ગ્રાફ ફરી વધ્યો છે. હાલમાં ભાજપ આજની જીત પછી દેશમાં 17 રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથે સરકારમાં છે. ત્યારે હવે આવતી કાલે મિઝોરમના રિઝલ્ટ પર પણ નજર રહેશે.

જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે

તાજેતરના પરિણામો બાદ અત્યારે દેશના માત્ર 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. આ છે- કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા. આ ચૂંટણીઓમાં પાર્ટીએ રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા ગુમાવી છે. જે રાજ્યોમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર છે. કોંગ્રેસ 3 રાજ્યોમાં ગઠબંધન સરકારનો હિસ્સો છે. આ છે- બિહાર, ઝારખંડ અને તમિલનાડુ. દેશમાં કુલ 8 રાજ્યો એવા છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ સિવાયની પાર્ટીઓ સત્તામાં છે. આ છે- પંજાબ, દિલ્હી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કેરળ, મિઝોરમ, પુડુચેરી.


  • Follow us on: