- સરકારી અને ખાનગી શાળાઓએ તેમને આવતાં તમામ ઈ-મેઈલ ચકાસવા
- ચાલુ શાળાના સમયે કે શાળાના સમય બાદ આવતા તમામ ઈ-મેઈલ ચકાસવા
- અનિચ્છનીય કંઈપણ જણાય તો દિલ્હી પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કરે
દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીની ઘટનાઓ બાદ દિલ્હી સરકારે એડવાઈઝરી જારી કરી છે. તમામ સરકારી અને ખાનગી શાળાઓને તેમના સત્તાવાર ઈમેલ આઈડી પર મળેલા તમામ ઈમેઈલ અથવા સંદેશાઓ સમયસર તપાસવા માટે કહેવામાં આવ્યું હતું. ભલે તેઓ શાળાના સમય પહેલા આવતા હોય, શાળાના સમય દરમિયાન કે પછી આવતા હોય.
પોલીસ અને ઝોનના શિક્ષણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરને જાણ કરો
આ સાથે કહેવામાં આવ્યું હતું કે જો કંઈપણ અનિચ્છનીય જણાય તો દિલ્હી પોલીસ અને જિલ્લા અથવા ઝોનના શિક્ષણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરને જાણ કરો. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, શાળાના સત્તાવાળાઓએ વાલીઓને અને કાયદા અમલીકરણ એજન્સીને પણ જાણ કરવી જોઈએ જેથી કરીને કોઈપણ પ્રકારના પડકાર અથવા ધમકીનો સમયસર સામનો કરી શકાય.
દિલ્હીમાં પણ 50થી વધુ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી
દિલ્હીની 50થી વધારે સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ સ્કૂલ પ્રશાસન અને વાલીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે આ મામલે ગૃહમંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ડરવાની જરૂર નથી. આ ફેક કોલ લાગી રહ્યો છે.
શું કહ્યું ગૃહમંત્રાલયે ?
ગૃહમંત્રાલયે એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે દિલ્હીની કેટલીક શાળાઓને આજે સવારે ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. આ ઈમેલ નકલી લાગે છે અને ગભરાવાની જરૂર નથી. સાથે જ જણાવ્યું કે દિલ્હી પોલીસ સુરક્ષાના ભાગરૂપે તમામ જરૂરી પગલા લઇ રહી છે.
નામચીન સ્કૂલોને મળી ધમકી
મહત્વનું છે કે દિલ્હીની 13 શાળામાં બોમ્બની ધમકી મળ્યાની વાત સામે આવી હતી તે હવે 80 સ્કૂલ સુધી પહોંચી છે. મળતી માહિતી મુજબ 80 શાળાઓમાં ધમકી મળી હતી. નામચીન સ્કૂલોને ધમકી મળતા બાળકોને ઘરે મોકલી દેવાયા હતા. પોલીસ અને પ્રશાસન તપાસમાં જોડાયુ હતું. આ વચ્ચે ગૃહમંત્રાલયે કહ્યું કે ગભરાશો નહી ફેક કોલ લાગી રહ્યો છે.