- બ્રોડકાસ્ટિંગ બિલ 2024 હાલ રખાયુ હોલ્ડ પર
- ચર્ચા વિચારણા બાદ નવો ડ્રાફ્ટ થશે તૈયાર
- વિપક્ષ સહિત કન્ટેન્ટ ક્રિએટર અને ડિઝિટલ પબ્લિશર્સ કરી રહ્યા છે વિરોધ
કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ 2024ને હોલ્ડ પર મુક્યુ છે. તેની પાછળના કારણની વાત કરીએ તો સરકાર કહે છે કે આ બિલ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારે બાદ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. આ ઉપરાંત ઘણા ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને વ્યક્તિગત કન્ટેન્ટ ક્રિએટર્સ પણ આ બિલનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે આવો જાણીએ આ બિલમાં એવુ શું હતું જેનો વિરોધ કરવામાં આવ્યો.
જાણો શું છે બ્રોડકાસ્ટિંગ બિલ
બ્રોડકાસ્ટિંગ બિલના વર્તમાન ડ્રાફ્ટ મુજબ સરકાર ડિજિટલ અથવા ઓટીટી પ્લેટફોર્મ જેમ કે યુટ્યુબ, એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો પર પ્રસારિત સામગ્રીને નિયંત્રિત કરવા જઈ રહી હતી. ડ્રાફ્ટની જોગવાઈઓ જણાવે છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર સમાચાર પ્રસારિત કરનારા પ્રકાશકોને 'ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ' તરીકે ઓળખવામાં આવશે.
રેગ્યુલેટરી બોડી બનાવવાનો પ્રસ્તાવ
આ ડ્રાફ્ટમાં ડિજિટલ બ્રોડકાસ્ટર્સ માટે નવી રેગ્યુલેટરી બોડી 'બ્રૉડકાસ્ટિંગ ઑથોરિટી ઑફ ઈન્ડિયા' બનાવવાનો પ્રસ્તાવ હતો. આ ઉપરાંત પ્રસારણ બિલના ડ્રાફ્ટમાં સેલ્ફ રેગ્યુલેશન માટે દ્વિ-સ્તરીય સિસ્ટમ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જો સેલ્ફ રેગ્યુલેશન માટે દ્વિ-સ્તરીય પ્રણાલીનું પાલન કરવામાં ન આવે તો સરકારના હસ્તક્ષેપની ડ્રાફ્ટમાં જોગવાઈ હતી.
આ બિલમાં ડિજિટલ કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે મોનિટરિંગ કમિટી બનાવવાની પણ જોગવાઈ હતી. આ કમિટી એ જ રીતે કામ કરે છે જે રીતે સેન્સર બોર્ડ સિનેમા માટે કામ કરે છે. એટલે કે આ સમિતિ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત સામગ્રીને અનુપાલન પ્રમાણપત્ર આપતી.
વિરોધ કેમ ?
ઇન્ડિવિઝ્યુઅલ કન્ટેન્ટ ક્રિએટર અને ડિઝિટલ પબ્લિશર્સ વિરોધ કરી રહ્યા છે. તેઓનું કહેવુ છે કે આ બિલ દ્વારા સરકાર ડિજિટલ કંટેન્ટ ક્રિએટર્સ પર એક પ્રકારની સેન્સરશિપ લગાવી રહી છે.
વ્યક્તિગત સામગ્રી નિર્માતાઓ અને ડિજિટલ પ્રકાશકો પણ આ બિલનો વિરોધ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ બિલ દ્વારા સરકાર ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ પર સેન્સરશિપ લાદી રહી છે. આ બિલ લાગુ થયા બાદ કોઈ પણ વ્યક્તિ સરકારની ટીકા કરી શકશે નહીં.
દ્વિ-સ્તરીય સેલ્ફ રેગ્યુલેશન પ્રણાલી પર હિતધારકો તરફથી વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. બિલના ડ્રાફ્ટમાં ડેટાના લોકલાઇઝેશન અને યુઝર ડેટાનું એક્સેસ સરકાર પાસે હોવાની એક જોગવાઇ ઉમેરવામાં આવી હતી. . આ અંગે હિતધારકોએ જણાવ્યું હતું કે આ જોગવાઈ ગોપનીયતાનું ઉલ્લંઘન કરશે. તેઓએ તેનો દુરુપયોગ થવાની શક્યતા વ્યક્ત કરી હતી.
વિપક્ષે પણ કર્યો હતો વિરોધ
કોંગ્રેસ અને ઈન્ડિયા બ્લોકમાં સામેલ અન્ય રાજકીય પક્ષોએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો. તેઓએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતા માટે ખતરો ગણાવ્યો હતો. વિપક્ષે કહ્યું કે આ બિલ દ્વારા વ્યક્તિગત કન્ટેન્ટ બનાવનારાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષે સરકારને બિલના મુસદ્દાની પ્રક્રિયામાં સિવિલ સોસાયટીના સભ્યો, પત્રકારો અને મુખ્ય હિતધારકોને સામેલ કરવાની માંગ કરી હતી.
શું હતી સરકારની દલીલ?
કેન્દ્ર સરકારની દલીલ હતી કે આ બિલ દ્વારા તે તમામ બ્રોડકાસ્ટર્સને સમાન રેગ્યુલેટરી બોડીમાં લાવવા માંગે છે. કેન્દ્ર સરકારે એવી પણ દલીલ કરી હતી કે આમ કરવાથી ફેક ન્યૂઝ પર અંકુશ લાવી શકાશે. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે બિલ અમલમાં આવ્યા પછી કોઈપણ OTT અથવા ડિજિટલ પ્લેટફોર્મ પર હેટ સ્પીચ, ફેક ન્યૂઝ અને અફવાઓ માટે જે તે પ્લેટફોર્મને જવાબદાર ઠેરવવામાં આવી શકે.