- સરકારી આસિસ્ટન્ટ ડ્રગ કંટ્રોલર સહિત ત્રણની લાંચ લેવાના આરોપમાં ધરપકડ
- નિકાસકારો અને આયાતકારોને NOC સુવિધા પૂરી પાડવા માંગી હતી લાંચ
- લાંચિયા અધિકારીઓને 8મી એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા
ભ્રષ્ટાચાર અને લાંચને ડામવા માટે CBI એક બાદ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. હવે એજન્સીએ લાંચના કેસમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ની મદદનીશ કાર્યાલયમાં તૈનાત એક આસિસ્ટન્ટ ડ્રગ કંટ્રોલર, એક ડ્રગ ઈન્સ્પેક્ટર અને એક ગૌણ કર્મચારીની ધરપકડ કરી છે. આ તમામને ડ્રગ કંટ્રોલરની ઓફિસમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને 8મી એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
NOC સુવિધા પૂરી પાડવા માંગી હતી લાંચ
CDSCOના આસિસ્ટન્ટ ડ્રગ કંટ્રોલરની ઓફિસમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપો અંગે માહિતી મળ્યા બાદ CBI, વિજિલન્સ અધિકારીઓ અને સાક્ષીઓની સંયુક્ત ટીમે ઓફિસમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે, ખાનગી વ્યક્તિઓ તેમના ગ્રાહકો એટલે કે ફાર્માસ્યુટિકલ દવાઓના ઉત્પાદકો, નિકાસકારો અને આયાતકારોને NOC સુવિધા પૂરી પાડવા માટે જાહેર સેવકો વતી લાંચના નાણાં એકત્ર કરી રહ્યા હતા.
અધિકારીઓ પાસેથી લાખો રૂપિયાની રોકડ મળી આવી
CBI સહિતની વિવિધ ટીમો દ્વારા ઓચિંતી તપાસ દરમિયાન, સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓના ડ્રોઅરમાંથી લગભગ રૂ. 1.52 લાખની રોકડ પણ મળી આવી હતી. સંબંધિત સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ આ નાણાં અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નથી. બિનહિસાબી નાણાં શંકાસ્પદ જાહેર સેવકો દ્વારા સીધા અથવા ખાનગી વ્યક્તિઓ દ્વારા CHAઅથવા તેમના પ્રતિનિધિઓ દ્વારા NOC જારી કરવા માટે લાંચ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા.
આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી
લાંચ લેવાના આરોપમાં ઓચિંતી તપાસ દરમિયાન ધરપકડ કરાયેલા અધિકારીઓની ઓળખ અરવિંદ આર. હિવાલે (આસિસ્ટન્ટ ડ્રગ કંટ્રોલર), દેવેન્દ્ર નાથ (ડ્રગ ઇન્સ્પેક્ટર) અને નાગેશ્વર એન. સબ્બાની (સબઓર્ડિનેટ સ્ટાફ) તરીકે કરવામાં આવી છે. CBIને લાંચની માંગણી અને સ્વીકાર અંગેની લેખિત ફરિયાદો મળી હતી. જ્યારે તેમના ઘરોની તલાશી લેવામાં આવી ત્યારે તેમની પાસેથી આશરે રૂ. 46.70 લાખની કિંમતના ગુનાહિત દસ્તાવેજો અને રોકડ અને આશરે રૂ. 27.80 લાખની કિંમતના સોના/ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આ સાથે વિવિધ સ્થાવર મિલકતો અને અન્ય વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે.