• સભ્યપદ પરત આપવાની અધિસૂચના પર રોક લગાવવા કરાઇ માંગ
  • ચૂંટણી પંચને વાયનાડ બેઠક પર ફરી ચૂંટણી કરાવવા સૂચના આપવા માંગ
  • મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીનું છીનવાયું હતું સંસદ સભ્ય પદ

રાહુલ ગાંધીના સંસદ સભ્ય પદની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. વકીલ અશોક પાંડે તરફથી દાખલ કરવામાં આવેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે એકવાર સંસદ અથવા વિધાનસભાના સભ્ય પર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8 (3)ના કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે તો તે ત્યાંસુધી અયોગ્ય જ રહે છે જ્યાં સુધી કોઈ હાઇકોર્ટ તેને આરોપો માંથી મુક્ત ન કરી દે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટે ચૂંટણી પંચને વાયનાડ બેઠક પર ફરીથી ચૂંટણી કરાવવા આદેશ આપવો જોઈએ.

4 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીને મળી હતી રાહત

‘મોદી ઉપનામ’ ટિપ્પણી મામલે 4 ઓગસ્ટના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે એક વચગાળાનો આદેશ આપીને સજા પર રોક લગાવી દીધી હતી. આ નિર્ણય બાદ 7 ઓગસ્ટના રોજ લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ પરત આપી દીધું હતું.

મોદી સરનેમને લઈને છીનવાયુ હતું સાંસદ પદ

મોદી સરનેમને લઈને વર્ષ 2019માં રાહુલ ગાંધીએ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેને લઈને તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોશી જાહેર કરીને 2 વર્ષની સજા ફટકારી હતી. બે વર્ષની સજા મળવાને કારણે જનપ્રતિનિધિ કાયદાની જોગવાઈ મુજબ રાહુલ ગાંધીને 24 માર્ચ 2023ના રોજ સાંસદ પદ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા.

હાઇકોર્ટ તરફથી નહોતી મળી રાહત

સજાના વિરોધમાં રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ ગુજરાત હાઇકોર્ટે પણ રાહુલ ગાંધીની સજાનો ચુકાદો યોગ્ય ગણાવ્યો હતો. ત્યારબાદ, રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જ્યાં, સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી. સજા પર રોક લગાવ્યા બાદ રાહુલ ગાંધીને તેમનું સંસદ સભ્યપદ પરત આપવામાં આવ્યું હતું.


  • Follow us on: