• 22 સપ્ટેમ્બરથી લેન્ડર અને રોવરને એક્ટિવ કરવાના પ્રયાસો
  • ચંદ્ર પર દિવસ થયો હોવા છતાં લેન્ડર અને રોવર સ્લીપ મોડમાં
  • ISRO દ્વારા સંપર્ક સ્થાપિત કરવાનો થઇ રહ્યો છે પ્રયાસ

22 સપ્ટેમ્બરની સવાર ઇસરો માટે ઘણી મહત્વપૂર્ણ હતી કારણ કે આ દિવસે વિક્રમ અને પ્રજ્ઞાનને સ્લીપ મોડમાંથી એક્ટિવ કરવાના હતા. પરંતુ આજ દિન સુધી તે શક્ય બન્યુ નથી. વૈજ્ઞાનિકો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સવાલ એ થાય કે આખરે ક્યાં સુધી વિક્રમ અને પ્રજ્ઞાનને ઉઠાડવાના પ્રયાસો થશે. તે વિશે ઇસરોએ શું કહ્યું આવો જાણીએ .

2 સપ્ટેમ્બરે સ્લીપ મોડ કર્યો હતો

ઇસરોએ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર આ મહિનાની શરૂઆતમાં સ્લીમ મોડમાં મોકલ્યા પછી તેને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈસરોએ 2 સપ્ટેમ્બરના રોજ ટ્વિટર પર જાહેરાત કરી હતી કે પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર તેનું તમામ કાર્ય પૂર્ણ કરી લીધું છે અને હવે તે "સુરક્ષિત રીતે પાર્ક અને સ્લીપ મોડમાં સેટ છે".

ક્યાં સુધી એક્ટિવ કરવાનો પ્રયાસ થશે ?

ISROના જણાવ્યા અનુસાર, “APXS અને LIBS પેલોડ્સ બંધ છે. આ પેલોડ્સમાંથી ડેટા લેન્ડર દ્વારા પૃથ્વી પર પ્રસારિત થાય છે. હાલમાં, બેટરી સંપૂર્ણ ચાર્જ થઈ ગઈ છે." પરંતુ વિક્રમ લેન્ડરથી સિગ્નલ મળી રહ્યા નથી. ઈસરો ટીમ 6 ઓક્ટોબર સુધીમાં વિક્રમ અને પ્રજ્ઞાન બંનેને જગાડવાનો પ્રયાસ કરી રહી છે. ઈસરોના ચીફ સોમનાથના જણાવ્યા અનુસાર, આ પ્રયાસ માત્ર આગામી 14 દિવસ સુધી જ ચાલશે.

કેમ એક્ટિવ નથી થતા વિક્રમ અને પ્રજ્ઞાન ?

વિક્રમ અને રોવર કેમ જાગી શકતા નથી તે અંગે ISROનું કહેવું છે કે 22 સપ્ટેમ્બરે જ્યારે ચંદ્ર પર સૂર્યોદયની અપેક્ષા હતી, ત્યારે ઈસરોએ રોવર અને લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ટ્વિટર પર એક પોસ્ટમાં, ISROએ જણાવ્યું હતું કે, “વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે તેમની જાગૃત સ્થિતિની ખાતરી કરવા માટે સંચાર સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. હાલમાં તેમના તરફથી કોઈ સંકેત મળ્યા નથી. સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે.” સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્રયાન-3નું લેન્ડર અને રોવર જાગી શકશે જ તે જરૂરી નથી કારણ કે ચંદ્ર પર રાત્રિ દરમિયાન તાપમાન -200 થી -250 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. અને બેટરીઓ એ પ્રકારની નથી કે આવા તાપમાન પર કામ કરી શકે.


  • Follow us on: