- ચારધામ યાત્રામાં આ વખતે નોંધાયા રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓ
- ગંગોત્રી અને યમુનોત્રીમાં સૌથી વધારે ભક્તો આવ્યા
- અત્યાર સુધીના તમામ રેકોર્ડ થયા બ્રેક
ઉત્તરાખંડ ચારધામ યાત્રાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. જો કે હાલમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે યાત્રીઓ ફસાયા છે. કારણે બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ છે. આ સિવાય પણ અન્ય રસ્તાઓ બંધ છે. પરંતુ ઓવરઓલ ચારધામ યાત્રાની વાત કરીએ તો ચારધામ યાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓએ જૂના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આ વખતે ગંગોત્રી અને યમુનોત્રી ધામને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો.
ગંગોત્રીમાં કેટલા આવ્યા શ્રદ્ધાળુઓ ?
અગાઉ ચાર ધામમાં અન્ય ધામોની સરખામણીએ ગંગોત્રી અને યમુનોત્રી ધામોમાં ઓછા યાત્રિકો આવતા હતા, પરંતુ આ વખતે ગંગોત્રી અને યમુનોત્રીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. ગત વર્ષની સરખામણીએ બંને ધામોમાં ભક્તોની સંખ્યા બમણી થઈ છે. ગત વર્ષે રોજના 12 હજારથી વધુ શ્રદ્ધાળુઓ સમયે ગંગોત્રી પહોંચ્યા હતા. આ વખતે આ આંકડો રોજના 19 હજાર સુધી પહોંચી ગયો છે. જે ચારધામ યાત્રાના ઈતિહાસમાં આ સૌથી મોટી સંખ્યા કહી શકાય.
યમુનોત્રીમાં કેટલા આવ્યા શ્રદ્ધાળુઓ ?
ગયા વર્ષે યમુનોત્રીમાં દરરોજ મહત્તમ નવ હજાર શ્રદ્ધાળુઓ આવતા હતા. આ વખતે આ આંકડો પ્રતિદિન 15 હજાર ભક્તો પર પહોંચી ગયો છે. આ વખતે ચાર ધામ યાત્રામાં પહેલીવાર સરકારને બદ્રીનાથ અને કેદારનાથ કરતાં યમુનોત્રી અને ગંગોત્રી ધામમાં ભીડને નિયંત્રિત કરવા માટે વધુ સંઘર્ષ કરવો પડ્યો હતો.
કેદારનાથમાં કેટલા આવ્યા શ્રદ્ધાળુઓ ?
આ વખતે કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યાએ પણ પાછલા વર્ષોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેદારનાથ ધામમાં દૈનિક દર્શનની સંખ્યા 34 હજાર સુધી પહોંચી ગઈ છે. જ્યારે પહેલા આ સંખ્યા પ્રતિદિન 15 થી 20 હજાર સુધી મર્યાદિત હતી. આ વખતે બદ્રીનાથ ધામમાં દરરોજ સૌથી વધુ 28 હજાર ભક્તો હતા. અગાઉના વર્ષોમાં આ સંખ્યા મહત્તમ 16 હજાર હતી.
ચારધામ યાત્રાએ તોડ્યા રેકોર્ડ
મહત્વનું છે કે આ વખતે ચારધામ યાત્રા દરમિયાન યમુનોત્રી જવા તરફ ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. જેથી ઉત્તરાખંડ સરકાર વિકાસનગરથી યમુનોત્રી ધામ સુધીના માર્ગને વિકસાવવાની તૈયારી કરી રહી છે. જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો સમાવેશ થઇ શકે.. ઉલ્લેખનીય છે કે આ વખતે ચારધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 30 લાખને પાર પહોંચી છે. ચારધામ યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં ખૂબ જ અસરકારક સાબિત થયા છે.