- ચારધામ યાત્રામાં ભીડ વધતા જ મળશે એલર્ટ
- આઇઆઇટીના શોધકર્તાઓએ તૈયાર કર્યુ એક ડિવાઇસ
- ભીડ વધી જાય તો કંટ્રોલ રૂમને પહોંચાડશે મેસેજ
ચારધામ યાત્રા ચાલી રહી છે. બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથમાં મોટી સંખ્યામાં યાત્રીઓ પહોંચ્યા છે. રોજબરોજ હજારો લોકો દર્શન કરે છે. એવા વીડિયો સામે આવે છે જાણે કે કિડીયારુ ઉભરાયુ હોય. બહુ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે હવે ભીડ વધશે તો એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. ક્ષમતા કરતા વધારે ભીડ ભેગી થશે તો ડિવાઇસ સિસ્ટમ કંટ્રોલ રૂમને એલર્ટ કરશે.
ક્રાઉડ આઇ ડિવાઇસ તૈયાર
આ ડિવાઇસ આઇઆઇટીના શોધકર્તાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. જેને ક્રાઉડ આઇ નામ આપવામાં આવ્યું છે. IIT રૂરકીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગ વિભાગના સંશોધક પ્રો. અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે ઉપકરણ બનાવવાનો હેતુ કોઈપણ ધાર્મિક સ્થળ અથવા સંકુલમાં રિયલ ટાઇમ મોનિટરીંગ અને ક્ષમતાથી વધારે ભીડ થાય તે પહેલા જ એલર્ટ આપી દેવામાં આવે છે. IIT કેમ્પસમાં કરવામાં આવેલા ટેસ્ટિંગમાં ઉત્તમ પરિણામ મળ્યા છે.
ફંડિંગની જોવાઇ રહી છે રાહ
હવે તેને યમુનોત્રીમાં આ ડિવાઇસ લગાવવા માટે ઉત્તરાખંડ સ્ટેટ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી દેહરાદૂનને ફંડિંગ માટે આવેદન આપવામાં આવ્યુ છે. બજેટ મળતાની સાથે જ આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સ્વદેશી ટેક્નોલોજીથી બનેલા આ ઉપકરણને તૈયાર કરવામાં 60 થી 70 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. વિકસિત ટેક્નોલોજીની પેટન્ટ મેળવવા માટે પણ અરજી કરવામાં આવી છે. આગામી તબક્કામાં, ભીડમાં કેટલા પુરુષો અને સ્ત્રીઓ છે તેના આંકડા જાહેર કરવાની સિસ્ટમ અપડેટ કરવાની યોજના છે. તેમણે કહ્યું કે યાત્રા દરમિયાન હરિદ્વારમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને દીનદયાલ ઉપાધ્યાય પાર્કિંગ અને પંતદ્વીપ પાર્કિંગનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને અહીં ટ્રાફિક જામની સમસ્યા હલ થઈ શકે.
ફૂટબ્રિજ પર પણ લગાવી શકાશે
પ્રો. અમિત અગ્રવાલે કહ્યું કે આ સિસ્ટમ માત્ર ભીડ વ્યવસ્થાપનમાં જ નહી પરંતુ ભીડને કારણે નાસભાગની સંભાવના અને ઓવરલોડિંગને કારણે ફૂટ બ્રિજ તૂટી પડવાની સંભાવનાને પણ ઘટાડશે. આ એવુ ઉપકરણ છે જે દરેક ફૂટ બ્રિજ પર લગાવી શકાય. કેપેસિટી કરતા વધારે લોકો જો બ્રિજ પર ચઢશે તો એલર્ટ આપવામાં આવશે.
કેવી રીતે ડિવાઇસ કરે છે કામ
આ ડિવાઇસ હેડ રીડિંગ કરતી વખતે કેમેરા ત્યાંથી પસાર થતા લોકો પર નજર રાખે છે. આ પછી, એજ કમ્પ્યુટિંગ દ્વારા ઇમેજને રીઅલ ટાઇમમાં પ્રોસેસ કરવામાં આવે છે. ત્યારબાદ, કોમ્પ્યુટર AI આધારિત અલ્ગોરિધમ દ્વારા, ભીડમાં લોકોની ચોક્કસ સંખ્યાની ગણતરી કરવામાં આવે છે અને એલર્ટ આપવામાં આવે છે.