• ભોલે નાથના દર્શન કરવા ભક્તોમાં જબરદસ્ત ઉત્સાહ
  • કેદારનાથ ધામમાં લાખોની સંખ્યામાં પહોંચ્યા શ્રદ્ધાળુઓ
  • 28 દિવસમાં 7 લાખથી વધુ ભક્તોએ મુલાકાત લીધી હતી

ઉત્તરાખંડ ચારધામની યાત્રા ચાલી રહી છે. રોજે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચે છે. ગંગોત્રી,યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ આ ચારેય તીર્થ સ્થળોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ત્યારે સૌથી વધારે કેદારનાથમાં લોકોએ દર્શન કર્યા હોવાનું સામે આવ્યું છે. 10 મેથી લઇને 6 જૂન સુધી કેદારનાથમાં 7 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.

કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓનો ધસારો

ભોલે નાથના દર્શન કરવા ભક્તોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 7,10,698 શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લીધી છે. મહત્વનું છે કે કેદારનાથ ધામ 11મું જ્યોતિર્લિંગ છે. કેદારનાથ ધામના દરવાજા ખોલ્યા બાદ આ વર્ષે 10 મેથી યાત્રા શરૂ થઈ હતી.

રજિસ્ટ્રેશન છે ફરજિયાત

મહત્વનું છે કે કેદાનાથ ધામની યાત્રા પર જતા પહેલા દરેક ભક્ત માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે રાજ્યમાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે નોંધણી ફરજિયાત કરી છે. રાજ્યના મુખ્ય સચિવ રાધા રાતુરીએ 22 મેના રોજ ફરજિયાત નોંધણી માટે એક એડવાઈઝરી બહાર પાડી હતી. હાલ હરિદ્વાર અને ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ભક્તો હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે અને ચારધામ યાત્રા પર જઈ શકશે. સરકારે યાત્રિકોને રજીસ્ટ્રેશન કર્યા પછી જ નિર્ધારિત તારીખે તીર્થયાત્રા માટે આવવાની સલાહ આપી છે.

19 હજારથી વધુ યાત્રાળુઓએ મુલાકાત લીધી

મહત્વનું છે કે 2 જૂને જ 19 હજારથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ઉત્તરાખંડ સરકારના જણાવ્યા અનુસાર, મંદિરની મુલાકાત લેનારા કુલ શ્રદ્ધાળુઓની સંખ્યા 6,00,000ને વટાવી ગઈ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, 12,857 પુરૂષો, 6,323 મહિલાઓ અને 304 બાળકો સહિત કુલ 19,484 યાત્રાળુઓએ 2 જૂને કેદારનાથની મુલાકાત લીધી હતી.

શિયાળા પહેલા ચાર ધામ યાત્રા બંધ

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રામાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામ સામેલ છે. તમને જણાવી દઈએ કે યમુના નદી ઉત્તરાખંડના યમુનોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે. દર વર્ષે ઉનાળા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ પહોંચે છે. શિયાળા પહેલા ચારધામ યાત્રા બંધ કરી દેવામાં આવે છે અને ઓક્ટોબરમાં ચાર ધામોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે.

  • Follow us on: