છત્તીસગઢમાં શાળાકીય પુસ્તકોનો મુદ્દો ગરમાયો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિકાસ ઉપાધ્યાયે આરોપ લગાવ્યો છે કે રાજ્યની સરકારી શાળાઓ માટે છપાયેલા પુસ્તકો રાયપુરના જંકયાર્ડમાં પડેલા છે. મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. વિકાસ ઉપાધ્યાયે જણાવ્યું કે આ પુસ્તકો સર્વ શિક્ષા અભિયાન અને છત્તીસગઢ પાઠ્યપુસ્તક નિગમ દ્વારા છાપવામાં આવ્યા છે.


ભંગારમાંથી મળી આવ્યા પુસ્તકો

રાયપુરમાં બાળકોને મફતમાં આપવામાં આવતા પુસ્તકો મામલે મોટો ખુલાસો થયો છે. 'મફત પાઠ્યપુસ્તક વિતરણ' કાર્યક્રમ હેઠળ ઘણી સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા વધી છે, પરંતુ આ સફળતા પાછળ એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. લાખો પુસ્તકો, જે બાળકો માટે હતા, તે ભંગાર તરીકે વેચાયા. આ પુસ્તકો રાયપુરથી 30 કિલોમીટર દૂર રિસાયક્લિંગ સેન્ટરમાંથી મળી આવ્યા હતા.

તપાસ માટે સમિતિની રચના

ત્યારે સરકારે આ મામલાની નોંધ લીધી છે. આ મામલે હવે છત્તીસગઢ પાઠ્યપુસ્તક નિગમના એમડી IAS રાજેન્દ્ર કટારાના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે. રાજેન્દ્ર કટારા છત્તીસગઢના ટેક્સ્ટ બુક કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર છે. આ સમિતિમાં છત્તીસગઢ શાળા શિક્ષણ વિભાગના અધિક નિર્દેશક ડૉ. યોગેશ શિવહરે, રાયપુર શિક્ષણ વિભાગના સંયુક્ત નિયામક રાકેશ પાંડે, છત્તીસગઢ પાઠ્યપુસ્તક નિગમના જનરલ મેનેજર પ્રેમ પ્રકાશ શર્મા અને રાયપુર કલેક્ટર દ્વારા નામાંકિત જિલ્લા વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે. સમિતિને ઝડપી તપાસ કરીને રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. 


  • Follow us on: