દિલ્હીના નવા ચૂંટાયેલા મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ યમુના નદીના કિનારે વાસુદેવ ઘાટ પર યમુના આરતી કરી છે. યમુના નદીની સફાઈ ભાજપની પ્રાથમિકતામાં સામેલ છે અને આ આરતી દ્વારા નવા ચૂંટાયેલા મુખ્યપ્રધાને સ્પષ્ટ કર્યું કે ભાજપ સરકાર દિલ્હીમાં યમુનાની સફાઈ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.


CM તરીકે શપથ લીધા બાદ એક્શન મોડમાં આવ્યા રેખા ગુપ્તા

તમને જણાવી દઈએ કે ગુરૂવારે ભાજપના રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા અને શપથ લીધા પછી તરત જ તે એક્શન મોડમાં આવી ગયા છે. દિલ્હી મંત્રીમંડળની પહેલી બેઠક સચિવાલયમાં યોજાઈ હતી. આ અગાઉ રેખા ગુપ્તા બપોરે 3 વાગ્યે દિલ્હી સચિવાલય પહોંચી અને ચાર્જ સંભાળ્યો, ત્યારબાદ તેમણે સાંજે 5 વાગ્યે યમુના બજારમાં વાસુદેવ ઘાટની મુલાકાત લીધી છે.

પ્રથમ બેઠકમાં લેવાયા 2 મોટા નિર્ણય

દિલ્હીમાં નવી સરકારની રચના બાદ મુખ્યપ્રધાન રેખા ગુપ્તાના નેતૃત્વમાં ભાજપની પહેલી કેબિનેટ બેઠક યોજાઈ, જેમાં દિલ્હી કેબિનેટની બેઠકમાં આયુષ્માન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ કેબિનેટે દિલ્હી વિધાનસભાના પહેલા સત્રમાં CAG રિપોર્ટ રજૂ કરવા માટે પણ લીલી ઝંડી આપી દીધી છે.

સચિવાલયમાં પહેલી કેબિનેટ બેઠક યોજાઈ

મુખ્યપ્રધાને અહીં યમુના આરતી પણ કરી હતી. આ દરમિયાન તેમના મંત્રીમંડળમાં સમાવિષ્ટ મંત્રીઓ પણ હાજર હતા. ઘાટ પર આરતી પછી બધા સચિવાલય તરફ રવાના થયા, જ્યાં નવા ચૂંટાયેલા મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજાઈ હતી. દિલ્હી કેબિનેટના નવા મંત્રીઓ પણ યમુનાની મુલાકાતે આવ્યા હતા. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં યમુનાની સફાઈ સૌથી મહત્વપૂર્ણ બાબત રહી છે અને આ વખતે યમુનાનું પ્રદૂષણ પણ મોટાપાયે ચૂંટણીનો મુદ્દો બન્યો છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી દ્વારા પહેલા યમુના નદીના ઘાટની મુલાકાત અને યમુના આરતીમાં ભાગ લેવો એ દિલ્હીમાં યમુના સફાઈ અભિયાનના એક નવા પગલાની શરૂઆતનો સંકેત આપી રહ્યું છે.

ભક્તોની સંખ્યામાં સતત વધારો

યમુના આરતીની શરૂઆતથી ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોના લોકો અહીં આવે છે અને આરતીમાં ભાગ લે છે. સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત વિવિધ ધાર્મિક સંગઠનો અને પર્યાવરણવાદીઓએ પણ આ પહેલની પ્રશંસા કરી છે.

  • Follow us on: