- દિલ્હી કોચિંગ સેન્ટરમાં 3 વિદ્યાર્થીઓના મોત
- ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તારમાં બની હતી ઘટના
- સીબીઆઇને સોંપવામાં આવી તપાસ
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તારમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાતા 3 વિદ્યાર્થીઓના મોત થયા. જે મામલે હવે સીબીઆઇને તપાસ સોંપવામાં આવી છે. દિલ્હી હાઇકોર્ટે મોતની તપાસ મામલે દિલ્હી પોલીસથી લઇને સીબીઆઇને સોંપી દીધી જેથી તપાસમાં જનતાને કોઇ સંદેહ ન રહે.
દિલ્હી પોલીસ પાસેથી લીધો કેસ
બુધવારે આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ આ કેસની તપાસ દિલ્હી પોલીસ પાસેથી લીધી હતી. આપને જણાવી દઈએ કે દિલ્હીમાં 27 જુલાઈના રોજ ભારે વરસાદ બાદ 'રાઉના આઈએએસ સ્ટડી સર્કલ'ની ઈમારતના ભોંયરામાં પાણી ભરાઈ જવાને કારણે યુપીએસસીના ત્રણ વિદ્યાર્થીઓ - ઉત્તર પ્રદેશની શ્રેયા યાદવ (25), તાન્યા સોની (25) તેલંગાણાના અને કેરળના નવીન ડાલ્વિન (25)નું ડૂબી જવાથી મોત થયા હતા.
MCDને આપ્યો હતો ઠપકો
દિલ્હી હાઈકોર્ટે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ પર પોલીસ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) અધિકારીઓને સખત ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે વિદ્યાર્થીઓ બેઝમેન્ટમાંથી કેવી રીતે બહાર ન નીકળી શક્યા તે સમજાતુ નથી. કોર્ટ એ પણ જાણવા માંગે છે કે 'બેઝમેન્ટ'ના દરવાજા બંધ હતા કે પછી સીડીઓ સાંકળી હતી.
કોર્ટે કર્યા હતા સવાલ
હાઈકોર્ટે કડકાઇથી પૂછ્યુ હતું કે તમે કયા એંગલથી તપાસ કરી રહ્યા છો? ઉમેદવાર કેવી રીતે ડૂબી ગયા? શા માટે તેઓ ભોંયરામાંથી બહાર ન આવી શક્યા? ભોંયરામાં આટલું બધું પાણી અચાનક ભરાઈ જતું નથી. પાણી ભરવામાં ઓછામાં ઓછા બે-ત્રણ મિનિટ લાગે છે તો પછી વિદ્યાર્થીઓ કેમ બહાર ન આવી શક્યા? મહત્વનું છે કે કોર્ટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)ને આ ફોજદારી કેસમાં સીબીઆઈ તપાસની દેખરેખ માટે એક વરિષ્ઠ અધિકારીને નોમિનેટ કરવા પણ કહ્યું હતું.