- દિલ્હી કોર્ટની મનીષ સિસોદિયાને રાહત નહી
- CBI કેસ મામલે મનીષ સિસોદિયાને રાહત નહી
- કોર્ટે ન્યાયિક કસ્ટડી 24 એપ્રિલ સુધી લંબાવી
દિલ્હી દારૂ કૌભાંડ મામલે સીબીઆઈ કેસની સુનાવણી દરમિયાન રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 24 એપ્રિલ સુધી લંબાવી છે. ઉપરાંત, કોર્ટ એ જ દિવસે ચાર્જશીટમાં કરાયેલા તમામ આરોપો પર દલીલો સાંભળશે.
વચગાળાના જામીન માટે અરજી
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયા વચગાળાના જામીન માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતા. લોકસભા ચૂંટણીના પ્રચારના આધારે વચગાળાની જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાએ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ED અને CBI બંને કેસમાં વચગાળાના જામીન માટે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી છે. AAP નેતાની આ અરજી પર કોર્ટ બપોરે 2 વાગ્યે સુનાવણી કરશે.
મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે ઝટકો આપ્યો
દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને અગાઉ પણ કોર્ટમાંથી રાહત મળી ન હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને તેની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવી હતી.
મનીષ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2023થી તિહાર જેલમાં બંધ
મનીષ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2023થી તિહાર જેલમાં બંધ છે. આ મામલાને લઈને CBI અને EDનો દાવો છે કે, સિસોદિયાએ દારૂના વેપારીઓને ફાયદો કરાવવા માટે એક્સાઈઝ પોલિસીમાં ફેરફાર કર્યો હતો. જેના કારણે AAP નેતાઓને લાંચ તરીકે મોટી રકમ મળી હતી. આ પહેલા મનીષ સિસોદિયાની જામીન અરજી પર પણ 2જી એપ્રિલે સુનાવણી થઈ હતી. આ દરમિયાન તેણે કોર્ટમાં કહ્યું હતું કે, તેને જેલમાં રાખવાનો કોઈ ફાયદો નથી કારણ કે તેની સામે ચાલી રહેલી તપાસ પૂરી થઈ ગઈ છે.