- દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર સેન્ટરમાં અગ્નિકાંડ
- કેન્દ્ર સરકારે PMNRFમાંથી સહાય કરી જાહેર
- મૃતકોના પરિજનોને રૂ.2 લાખની સહાય
દિલ્હીની શાહદરાના વિવેક વિહાર સ્થિત ન્યુ બોર્ન બેબી કેર હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. જેમાં 7 નવજાત બાળકોના મોત થયા છે. પાંચ નવજાત બાળકો અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે હોસ્પિટલમાંથી 12 નવજાત બાળકોને બચાવી લેવાયા હતા. જેમાંથી છ નવજાત બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જ્યારે એક નવજાતનું મૃત્યુ પહેલા જ થઈ ગયું હતું. દિલ્હીની આ ગમખ્વાર ઘટનાથી દેશભરમાં દુઃખની લાગણી ફરી વળી છે. ત્યારે પીએમ મોદીએ પણ ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યું અને સહાયની જાહેરાત કરી હતી.
કેન્દ્ર સરકારે સહાય કરી જાહેર
દિલ્હીની આ ઘટનાને પગલે કેન્દ્ર સરકારે PMNRFમાંથી સહાય કરી જાહેર છે. જેમાં ઇજાગ્રસ્તોને 50 હજાર જ્યારે મૃતકના પરિજનોને 2 લાખ રૂપિયા સહાયની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે.
હોસ્પિટલના માલિક સામે ફરિયાદ
દિલ્હી પોલીસે આઈપીસીની કલમ 336, 304A અને 34 હેઠળ બેબી કેર ન્યૂ બોર્ન હોસ્પિટલના ફરાર માલિક નવીન ચીંચી વિરુદ્ધ FIR નોંધાવી છે. હોસ્પિટલમાં આગ માટે એનઓસી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
ઑક્સિજનના બાટલા ફાટવાથી આગ લાગી ?
જ્યારે બેબી કેર સેન્ટરમાં આગ લાગી ત્યારે બિલ્ડિંગમાં સતત વિસ્ફોટના અવાજો સંભળાતા હતા. આસપાસના લોકો ચીસો પાડી રહ્યા હતા. ઈમારતમાં મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર રાખવામાં આવ્યા હતા અને ઓક્સિજન સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડરો અહીં કેમ રાખવામાં આવ્યા અને નિર્દોષ લોકોના જીવ સાથે કેમ રમત કરવામાં આવી તેવા સવાલો ઉઠી રહ્યા છે.