•  વરસાદમાં જીવ ગુમાવનાર માટે વળતરની જાહેરાત
  • દિલ્હી સરકારે 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત
  • 28 જૂને દિલ્હીમાં વરસ્યો હતો અનરાધાર

દિલ્હી સરકારે ભારે વરસાદને કારણે જીવ ગુમાવનાર માટે વળતરની જાહેરાત કરી છે. દિલ્હી સરકારે તમામ મૃતકોને 10-10 લાખ રૂપિયાની સહાયની રકમ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત દિલ્હીના મહેસૂલ મંત્રી આતિષીએ કરી હતી. તેમણે કહ્યું કે આ માટે ACS રેવન્યુને સૂચના આપવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને આ રકમ વહેલી તકે આપવા માટે કહેવામાં આવ્યું છે. આતિશીએ ACS રેવન્યુના નામે જાહેર કરેલા આદેશ પત્રમાં કહ્યું છે કે 28 જૂને દિલ્હીમાં મુશળધાર વરસાદ પડ્યો હતો.

10 લાખ રૂપિયા સહાયની જાહેરાત

મહત્વનું છે કે દિલ્હીમાં થોડા જ કલાકોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં અનેક લોકોના મોત થયા. કેટલીક જગ્યાએ લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે તો બીજી જગ્યાએ મકાન ધરાશાયી થવાને કારણે મોત થયા છે. આ તમામ ઘટનાઓને ધ્યાને રાખીને ACS રેવન્યુને સૂચના આપવામાં આવી છે. આ માટે દિલ્હી પોલીસ અને દિલ્હીની હોસ્પિટલો પાસેથી ઇનપુટ એકત્રિત કરવામાં આવશે અને તેમની ઓળખ પછી તેમના પરિવારના સભ્યોના ખાતામાં 10 લાખ રૂપિયાની સહાય રકમ શક્ય તેટલી વહેલી તકે જમા કરાવવા કહેવામાં આવ્યું છે.

વળતર નથી પણ સહાય છે- આતિશી

તેમણે પોતાના પત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે આ રકમ કોઈના જીવનનું વળતર નથી, પરંતુ આ રકમ પીડિત પરિવારને તેમના દુઃખને દૂર કરવામાં અને તેમનું જીવન નવેસરથી શરૂ કરવામાં મદદ કરશે.


મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે. જેલમાં રહીને તેમણે તેમના તમામ મંત્રીઓને લોક કલ્યાણના કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવા જણાવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હીના કોઈપણ નાગરિકને આવી દુર્ઘટનામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. સીએમ કેજરીવાલના ઈરાદાને ધ્યાનમાં રાખીને રાજ્યના નાણામંત્રી આતિશીએ વરસાદના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે સહાયની જાહેરાત કરી છે.


  • Follow us on: