દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી ટ્રેન્ડમાં તો બીજેપીએ બહુમતીનો આંકડો વટાવી લીધો છે. બીજેપી 40થી વધારે સીટો પર આગળ ચાલી રહી છે. જયારે આપ પાર્ટી 25થી વધારે. ત્યારે આ બધા વચ્ચે મુસ્તફાબાદ સીટ પરથી બીજેપી ઉમેદવાર મોહનસિંહ બિષ્ટનું મોટુ નિવેદન સામે આવ્યું છે. દિલ્હીમાં સીએમ પદને લઇને સવાલ કરતા તેઓએ મોટુ નિવેદન આપ્યું હતું.
તો શું સીએમ પદની મળશે જવાબદારી ?
દિલ્હીની મુસ્તફાબાદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોહન સિંહ બિષ્ટ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. મુખ્યમંત્રી પદના પ્રશ્ન પર તેમણે કહ્યું કે પાર્ટી તેમને જે પણ જવાબદારી આપશે તે તેઓ નિભાવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે બીજેપી વર્ષ 1993ની જેમ 49થી 52 બેઠકો જીતશે. મહત્વનું છે કે મોહનસિંહ બિષ્ટ હાલ મુસ્તફાબાદ બેઠક પરથી આગળ છે.
મોહનસિંહ બિષ્ટ આગળ
ચૂંટણી પંચના આંકડા મુજબ મોહન સિંહ બિષ્ટને અત્યાર સુધીમાં 49751 મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીના આદિલ અહેમદ ખાન બીજા સ્થાને છે. તેમને 13066 મત મળ્યા છે. આ રીતે, મોહન સિંહ બિષ્ટ હાલમાં કુલ 36685 મતોથી આગળ છે.
કોણ છે મોહનસિંહ બિષ્ટ ?
આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અલી મેહદી ત્રીજા સ્થાને છે. તેમને 2081 મત મળ્યા અને AIMIM ઉમેદવાર તાહિર હુસૈન પાંચમા સ્થાને છે. તાહિર હુસૈનને ફક્ત 718 મત મળ્યા. આ રીતે, ભાજપના ઉમેદવાર મોહન સિંહ બિષ્ટ એક વિશાળ જીત તરફ આગળ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 1998થી મોહન સિંહ બિષ્ટ પાંચ વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 1998 થી 2020 સુધીની 6 ચૂંટણીઓમાં મોહન સિંહ બિષ્ટ માત્ર એક જ વાર 2015માં હાર્યા છે.
તમને જણાવી દઈએ કે મોહન સિંહ બિષ્ટ હાલમાં કરાવલ નગરના ધારાસભ્ય છે. ભાજપે તેમની ટિકિટ રદ કરી અને પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા કપિલ મિશ્રાને મેદાનમાં ઉતાર્યા. આ પછી મોહન સિંહ બિષ્ટનો એક વીડિયો પણ સામે આવ્યો જેમાં તેઓ ભાવુક જોવા મળ્યા અને તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી. બાદમાં ભાજપે તેમને મુસ્તફાબાદથી ઉમેદવાર બનાવ્યા હતા.